સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરિન આઇએનએસ કરંજનું કાલે લો‌ન્ચિંગ

નવી દિલ્હી: સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરિન આઇએનએસ કરંજ મુંબઇ મઝગાંવ ડોકમાં બુધવારે લોંચ કરવામાં આવશે. આ સબમરિનનાં લોંન્ચિંગ વખતે નેવી ચીફ સુનીલ લાંબા પણ હાજર રહેશે. પ્રથમ સ્કોર્પિયન શ્રેણીની સબમરિન આઇએનએસ કલવરીને ૧૪ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી હતી.

કલવરીમાં અગાઉની ‌ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરિનની તુલનાએ વધુ સારી રીતે છુપાતી ટેકનોલોજી છે. સ્કોર્પિયન શ્રેણીની બીજી સબમરિન ખાંદેરી ૧ર જાન્યુઆરી ર૦૧૮ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. ફ્રાંસની સંરક્ષણ અને ઊર્જા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી સબમરિનો ભારતીય નેવીના પ્રોજેકટ ૭પ ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવી રહી છે.

આ પ્રોજેકટ હેઠળ ભારત આગામી પેઢીની સ્વદેશી સબમરિનનું નિર્માણ કરશે. આઇએનએસ કલવરી ભારતીય નેવીમાં સામેલ થવાથી ભારતનો હિંદ મહાસાગરમાં દબદબો વધી ગયો છે. આ સબમરિન નેવીની તાકાતને પણ એક અલગ રીતે રજૂ કરશે. સબમરિન આઇએનએસ કલવરીના માધ્યમથી સ્કોર્પિડો સાથે હુમલા કરી શકે છે. તે ઉષ્ણ કટીબંધ સહિત તમામ સેટિંગમાં કામ કરી શકે છે.

આ સબમરિન દ્વારા પાણીની સપાટી પર અથવા નીચેની સપાટીથી એન્ટીશિપ મિસાઇલ લોન્ચ કરી શકાય છે. તેનેે ખાસ પ્રકારના પોલાદથી બનાવવામાં આવી છે. ચીન અને પાકિસ્તાનની નેવીની વધતી જતી તાકાત વચ્ચે સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યાના એક દાયકા બાદ પણ હજુ ઇન્ડિયન નેવીને છ પ્રકારની અત્યાધુનિક સબમરિનોની પ્રતીક્ષા છે. રડારની પકડમાં નહીં આવતી આ સબમરિન જમીન પર હુુમલો કરનારી મિસાઇલ્સથી સજ્જ હશે અને તેમાં ઓક્સિજન બનાવવાની ક્ષમતા પણ હશે. જેનાથી તે લાંબો સમય સુુધી પાણીમાં રહી શકશે.

You might also like