ટામેટાંના ભાવ લાલચોળઃ એક મહિનામાં રૂ.૪૦થી વધુ થયા

અમદાવાદ: સામાન્ય રીતે શિયાળો આવતાંની સાથે વિવિધ શાકભાજીના ભાવ ઘટતા હોય છે, પરંતુ સ્થાનિક માર્કેટયાર્ડમાં ટામેટાંની નીચી આવકને કારણે ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. માત્ર એક જ મહિનામાં ટામેટાંના ભાવ રૂ. ૨૦થી વધીને હાલ રૂ. ૪૦થી ૫૦ પ્રતિકિલોના ભાવે પહોંચી ગયા છે.

સ્થાનિક માર્કેટયાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે રાજ્ય બહારથી આવતી ટ્રક્સ દિવાળીના તહેવારોને કારણે મોડી આવી રહી છે તથા સ્થાનિક માર્કેટયાર્ડમાં પણ રજાનો માહોલ હોવાના કારણે ઓછી આવકના પગલે ભાવમાં ઉછાળો નોંધાયો છે.

સ્થાનિક હોલસેલ વેપારીઓના કહેવા પ્રમાણે આ વખતે ગુજરાત બહારનાં રાજ્યોમાંથી આવતી આવકમાં ૧૦થી ૧૫ ટકા જેટલો માલ હલકી કક્ષાનો આવતો હોવાને કારણે માલનો બગાડ વધવાથી સ્થાનિક વેપારીઓ ટામેટાં ઊંચા ભાવે લોકોને પધરાવી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં પડેલા વરસાદને કારણે ટામેટાંની આવકને સીધી અસર થઇ શકે છે અને તેને કારણે ભાવમાં હજુ પણ વધારો આવે તો નવાઇ નહીં.

You might also like