અમદાવાદના બજારમાં ટામેટાંના ભાવ ગગડ્યાં, ફેંકી દેવાના ભાવે વેચાવા લાગ્યા

અમદાવાદ, બુધવાર
એક સમયે ૬૦થી ૭૦ રૂપિયે કિલો વેચાતાં ટામેટાંનું મબલખ ઉત્પાદન થતા લાલચોળ ટામેટાંના ભાવ ગગડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને હાલમાં એક કિલો ટામેટાંની પડતર કિંમત રૂ.૬થી ૭ પ્રતિ કિલો પડી રહી છે. જ્યારે બજારમાં હોલસેલ ટામેટાંનો ભાવ રૂ.૨થી ૪ પ્રતિ કિલો છે. વેપારીઓ આનાથી વધુ ભાવ ખેડૂતોને ચૂકવતા ના હોઈને હવે ખેડૂતોને ટામેટાં ઢોરને ખવડાવવા કે ફેંકી દેવાનો વારો આવ્યો છે.

ગુજરાતના ટામેટાં દિલ્હી, કોલકાતા અને મુંબઈનાં બજારોમાં નિકાસ થાય છે. આ વર્ષે પંજાબ અને હરિયાણા સહિતનાં રાજ્યમાં ટામેટાંનો મબલખ પાક ઊતર્યો છે.

બે માસ પૂર્વે ટામેટાંના ભાવ આસમાને હતા. રૂ.૬૦થી ૭૦ પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યાં હતાં. લોકોની ભોજનની થાળીમાં સલાડમાં અપાતાં ટામેટાં ગાયબ થઈ ગયાં હતાં. અન્ય શાકભાજી સસ્તા હોવા છતાં ટામેટાંના ભાવ ઘટવાનું નામ લેતા ન હતા. એક તબક્કે છૂટક ટામેટાંનો ભાવ રૂ.૮૦ પ્રતિ કિલોની સપાટીએ ડિસેમ્બર માસમાં પહોંચી ચૂક્યો હતો. તે સમયે ભારે વરસાદના કારણે ટામેટાંના પાકને મોટું નુકસાન થયું હતું.

You might also like