બે મહિના પહેલાં ૧૦ રૂપિયે મળતાં ટામેટાંનો ભાવ ૩૦ રૂપિયે પહોંચ્યો

અમદાવાદ: બે મહિના પૂર્વે એટલે કે માર્ચ- એપ્રિલમાં ટામેટાંં પાણીને ભાવે એટલે કે ૧૦ રૂપિયે કિલોના ભાવે વેચાતાં હતાં, પરંતુ ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ ટામેટાંના ભાવમાં લાલ ચોળ તેજી જોવા મળી છે. માત્ર બે મહિનામાં ટામેટાંના ભાવમાં ૨૦૦ ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાયો છે.

સ્થાનિક ખેતીવાડી બજાર સમિતિના વેપારીઓના કહેવા પ્રમાણે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાંથી આવતો માલ અટકી ગયો છે. એટલું જ નહીં ચોમાસાની સિઝનમાં ટામેટાંનાે પાક બગડી જવાની ભીતિએ ખેડૂતો દ્વારા એપ્રિલ-મે મહિનામાં આવક વધારાતાં ટામેટાંના ભાવ ગગડી ગયા હતા. એ સમયે માર્ચ-એપ્રિલ મહિનામાં ૧૫ રૂપિયે બે કિલો ટામેટાં વેચાતાં હતાં, પરંતુ હવે સ્થાનિક બજારમાં માલ અટકતાં પરપ્રાંતની ટામેટાંની આવક શરૂ થતાં ટામેટાંના ભાવ લાલ ચોળ થઇ ગયા છે. હાલ ટામેટાંના ભાવ સ્થાનિક બજારમાં વધીને ૩૦થી ૪૦ થઈ ગયા છે.

પાછલા વર્ષની સરખામણીએ રૂ. ૧૦ ઊંચા
પાછલા વર્ષે આ જ સમયગાળામાં મળતાં ૧૮થી ૨૦ રૂપિયે ટામેટાં મળતાં હતાં, જ્યારે ચાલુ વર્ષે આ સિઝનમાં ૧૦ રૂપિયા ઊંચા એટલે કે ૩૦ રૂપિયે વેચાઇ રહ્યાં છે. ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં સ્થાનિક બજારમાં મોટા પ્રમાણમાં માલ આવી ગયાની અસરે ચાલુ વર્ષે ટામેટાંના ભાવ ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેવું વેપારીઓનું કહેવું છે.

You might also like