સ્થાનિક બજારમાં ટામેટાંના ભાવ કિલોના ૧૦ રૂપિયા

અમદાવાદ: સામાન્ય રીતે ગરમીનો પારો ઊંચે જાય છે તેમ તેમ શાકભાજીના ભાવનો પારો પણ ઊંચે જતો હોય છે. આ વખતે પણ હજુ ઉનાળાની ધીમી ધીમી શરૂઆત થતી જાય છે ત્યારે વિવિધ શાકભાજીના ભાવમાં પ્રતિકિલોએ ૧૦થી ૧૫ રૂપિયા સુધીનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે ટામેટાંના ભાવ તેનાથી વિરુદ્ધ તૂટી રહ્યા છે. ટામેટાંના ભાવ પાછલા એક મહિનામાં પાંચથી સાત રૂપિયા પ્રતિકિલો ઘટ્યા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ વખતે કમોસમી વરસાદને કારણે મધ્યપ્રદેશ તથા કર્ણાટક બાજુથી ટામેટાંના પાકની ઊંચી આવક જોવા મળી રહી છે. બજારમાં માલ બગડી જવાની ભીતિએ તથા મળતર ઓછું આવવાની શક્યતા પાછળ આવક વધતાં સ્થાનિક બજારમાં ભાવ તૂટ્યા છે.

સ્થાનિક માર્કેટયાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલાં વર્ષે આ જ સમયગાળામાં ટામેટાંના ભાવ પ્રતિકિલોએ રૂ. ૧૨થી ૧૫ની સપાટીની વચ્ચે જોવા મળી રહ્યા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે બજારમાં ધુમ આવક વચ્ચે ભાવ તૂટ્યા છે.

લીંબુના ભાવનો પારો ઊંચે ચઢી રહ્યો છે
ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે તેમ તેમ લીંબુના ભાવનો પારો પણ ઊંચો ચઢી રહ્યો છે. સ્થાનિક બજારમાં લીંબુના ભાવ પ્રતિકિલોએ સેન્ચુરી વટાવી દીધી છે અને રૂ. ૧૧૦થી ૧૨૦ની સપાટીએ પહોંચી ગયા છે, જોકે છૂટકમાં ઊંચા ભાવે લીંબુ વેચી રહ્યા છે.

You might also like