અાટલો બધો ટોલટેક્સ ‘ટોલરેટ’થાય તેવો નથી!

અમદાવાદ: તાજેતરમાં જ વડોદરાથી અમદાવાદ નેશનલ હાઈવે નં. ૮ હવે સુપર એક્સપ્રેસ-વે બનતાં છેલ્લા બે દિવસથી જંગી ટોલ ફી વસૂલવાનું શરૂ કરાતાં ધાંધલધમાલનું વાતાવરણ સર્જાયું છે. ટોલ બુથ પર છેલ્લા બે દિવસથી રોજ અફરાતફરી થાય છે. અમદાવાદથી વડોદરા જતા કે દરરોજ અપડાઉન કરતા કારચાલકોના માથે જતા કે દરરોજ અપડાઉન કરતા કારચાલકોના માથે વડોદરા સુધીમાં બે સ્થળોએ કુલ રૂ.૧૦૦થી પણ વધુ ટોલટેક્સ ભરવાના નિયમને કારણે મુસાફરી મોંઘી બનતાં આક્રોશ છવાયો છે.

અમદાવાદથી નીકળેલા કારચાલકે સૌપ્રથમ રઘવાણજ ટોલ બુથ પર ચાંલ્લો કરવાનો વારો આવતાં ટોલટેક્સના સંચાલકો દ્વારા ફી વસૂલવાના મુદ્દે ગરમાગરમી સર્જાતાં પોલીસની મદદ લેવી પડી હતી. વાહનચાલકોને માત્ર ૧૦૦ કિલોમીટરના અંતરના બે સ્થળેએ રૂ.૧૦૦ અને રૂ.૭૦ મળી કુલ રૂ.૧૭૦ ચૂકવવાનો વારો આવતાં મુસાફરોનાં બજેટ ખોરવાશે.

એટલું જ નહીં આસપાસનાં ગામોને પણ અત્યારે ટોલટેક્સ ભરવાના મુદ્દે રોજ મારામારી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તેઓ માટે હજુ સર્વિસ રોડ બનાવાયો નથી. જેથી માત્ર રોડ ક્રોસ કરવો હોય તો પણ ટેક્સ ભરવો પડે. એક્સપ્રેસ વે પર અમદાવાદ-વડોદરાનો ટોલ રૂ.૯૫ છે.

જ્યારે નેશનલ હાઈવે પર રઘવાણજથી અમદાવાદ (બંને તરફ) રૂ.૭૦, ત્યાર બાદ વાસલ ટોલનાકા પર કુલ રૂ.૧૦૦. આમ વડોદરા-અમદાવાદ કે અમદાવાદ-વડોદરાના રૂ.૧૭૦ ચૂકવવા પડે. મોટા વાહન-બસના રૂ.૩૨૦ ચૂકવવાના હોવાના ઉપરાંત નંદેસરી, દામાપુરા, ફાજલપુર, સાંકરતા વગેરે સ્થાનિક ગ્રામ્યવાસીઓએ ટોલમાંથી મુક્તિ આપવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે.

ટોલ બચાવવા વાહનચાલકો હાલમાં આંતરિક માર્ગો પરથી જવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે ગોત્રી અને સાવલીના વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક વધ્યો છે એટલું જ નહીં બસના રૂ.૩૨૦ ટોલટેક્સ હોવાના કારણે ટૂંક સમયમાં બસ ભાડા પણ વધશે.

હું એલએન્ડટીમાં જોબ કરું છું. મારાં મમ્મી-પપ્પા અમદાવાદ રહેતાં હોઈ વીકમાં ચાર વખત અમદાવાદ-વડોદરા અપડાઉન કરું છું. કોઈ પણ રસ્તે જાઉં ઊંચો ટોલ ભરવાના મુદ્દે બજેટ વધી જતાં હવે મારે અપડાઉનના દિવસો ઘટાડવા પડશે.- તેજસ શાહ, સેટેલાઈટ

મારું પિયર અને સાસરું અમદાવાદ હોઈ વારંવાર ખાસ કરીને વીકએન્ડમાં તો ખરું જ, ઉપરાંત સામાજિક પ્રસંગોએ અમદાવાદ-વડોદરાનો પ્રવાસ વધુ થાય છે, પરંતુ ટોલ હવે સામાજિક પ્રસંગો અને મા-બાપને મળવામાંય હવે કાપ મુકાવશે. આવું તો અહીં જ થાય. લોકોનો વિચાર તો કરવો પડે ને.- પલ્લવી શ્રીમાંકર, પાલડી

નડિયાદથી અમદાવાદ હું દરરોજ અપડા‍ઉન કરું છું. એક્સપ્રેસ વે પર ટોલ ભરવાના કારણે નેશનલ હાઈવેથી આવતા હતા. હવે રૂ.૫૦ રોજના ભરવાના આવે તો મહિને રૂ.૧૨૦૦નું બજેટ તો આવવા-જવામાં વધારાનું ખર્ચવું પડે સામાન્ય માણસોનો વિચાર કરવાની તસ્દી પણ ટોલ નક્કી કરતી વખતે લેવી પડે.- જિતેન્દ્ર પડિયા, નડિયાદ

હું વડોદરા નિવાસી છું. અમદાવાદ જોબ હોવાથી વારંવાર મારા ઘરે જાઉં છું. આટલો તોતિંગ ભાવવધારો અચાનક ઝીંકાતાં અમે કાર પેટ્રોલ શેર કરીને જતા હતા તેમાં હવે કટોતી આવશે. કારણ કે અમારા સહભાગી હવે ટોલ શેર કરવા તૈયાર નથી. તેથી મારું વડોદરા ઘરે જવાનું પણ હવે મોંઘું બનશે.- કવિતા દેસાઈ, જોધપુર

એક સાથે અચાનક રૂ.૩૪૦નો બોજો કોઇ એક વ્યકિત કેવી રીતે સહન કરી શકે? અને જેમને વારંવાર આ માર્ગ પરથી પસાર થવાનું છે તેઓને ઊંઘતા ઝડપાવાનું? મારે વારંવાર લેકચર, સેમિનાર અને મારા પિતા ‌બીમાર હોવાથી તેમની સારવાર માટે વડોદરા જવું પડે છે. શું દર વખતે આવવા-જવાના રૂ.૩૪૦નો ચાંલ્લો કરું? આ તો ઉઘાડી લૂંટ છે.- પોયણી ભટ્ટ, નહેરુનગર

You might also like