ટોલનાકું પાટીદારના ટોળાએ તોડી પાડ્યુંઃ ધાંધલ-ધમાલને કારણે ટ્રાફિક ચક્કાજામ

અમદાવાદ: ગઈકાલે કાગવડ ખાતે યોજાયેલા પાટીદાર સંમેલન બાદ પરત ફરતી વખતે પાટીદાઓએ તોફાને ચઢી અમદાવાદ-રાજકોટ પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે અાવેલ ટોલનાકું તોડી પાડી ટોલનાકાના કર્મચારીઓને માર મારતાં હાઈ વે પર ભારે અફરાતફરીનાં દૃશ્યો સર્જાયાં હતાં.
અા ધાંધલ-ધમાલના કારણે રોડની બંને તરફ દસ દસ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો અને અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગઈકાલે કાગવડમાં પાટીદાર સંમેલન યોજાયું હતું જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન બાદ પરત ફરતી વખતે બામણબોર વાંકાનેર બાઉન્ડ્રી પાસે અાવેલ ટોલનાકા પર પાટીદારોની કારો ઊભી રહી હતી અને ટોલટેક્સ બાબતે ટોલનાકાના કર્મચારીઓ સાથે પાટીદારોને ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં જ કેટલાક યુવાનોએ ટોલનાકામાં ઘૂસી જઈ જોરદાર તોડફોડ કરતાં ભારે તંગદિલી છવાઈ હતી.
અા ઘટનાને પગલે રોડની બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને દસ દસ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ઊતરી અાવ્યા હતા અને મામલો કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા. ટ્રાફિક જામ થવાના કારણે અમદાવાદ અને રાજકોટ તરફ જતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક રાબેતા મુજબ કરવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

You might also like