સુરતમાં બિરાજશે દેશના સૌથી ઊંચા ગણપતિ!

આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન સુરતમાં દેશના સૌથી ઊંચા ગણપતિ બિરાજશે. સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના ડોમમાં દેશની સૌથી ઊંચી ગણેશ પ્રતિમાની સ્થાપના કરાશે તેવો દાવો સુરતના એક મંડળના સંચાલકો કરી રહ્યા છે. પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન થાય તે માટે ૧૦ ફૂટથી ઊંચી હોય તેવી પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની પ્રતિમા પર પ્રતિબંધ છે, આથી આ સૌથી મોટા ગણપતિની પ્રતિમાનું ફાઇબરમાંથી નિર્માણ થઈ રહ્યું છે.

આ ગણેશોત્સવના આયોજક રાજેશ જૈન કહે છે, “સુરતમાં દેશના સૌથી ઊંચા ગણપતિ બિરાજશે, જે પ્રતિમા નિર્માણકાર્ય છેલ્લા ચાર માસથી મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે. આ પ્રતિમા બનાવવા માટે ચાલીસેક કલાકારો સતત કામ પર લાગેલા છે.”
જોકે, દેશના આ સૌથી ઊંચા ગણપતિની ઊંચાઈ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, “સ્ટેજ અને પ્રતિમાની ઊંચાઈ મળીને સૌથી વધુ ઊંચાઈ ગણવામાં આવી છે.

આ માટે સ્ટેજની ઊંચાઇ ૫૦ ફૂટ અને પ્રતિમા ૫૮ ફૂટ મળીને કુલ ૧૦૮ ફૂટની ઊંચાઈ ગણાવાઈ છે. આ ગણેશ પ્રતિમાને સરસાણા ટ્રેડ સેન્ટરમાં મૂકવા માટેની પરવાનગી લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. જોકે ગણેશોત્સવ બાદ આ પ્રતિમાનું વિસર્જન કરવામાં નહીં આવે, પરંતુ તેની સાથે રખાયેલી માટીની એક નાની ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.” સૌથી વધુ ઊંચાઈવાળા આ ગણેશજીનાં દર્શન માટે અન્ય પંડાલોની જેમ સામાન્ય ફી રખાશે. શ્રદ્ધાળુઓને પ્રતિમાની સાથે વૃંદાવનનો સેટ પણ જોવા મળશે તેમ આયોજકો જણાવી રહ્યા છે.

You might also like