24 જુલાઈ-2020થી શરૂ થશે ટોકિયો ઓલિમ્પિકઃ 17 દિવસ ચાલશે રમતોત્સવ

આગામી વર્ષે જાપાનની રાજધાની ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓલિમ્પિકની વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિકની શરૂઆત ૨૪ જુલાઈથી થઈ રહી છે. આ રમતોત્સવ તા. ૯ ઓગસ્ટ સુધી ચાલશે. ઓલિમ્પિક માટે ૩૩ રમતોમાં ૩૩૯ સ્પર્ધાનું આયોજન થશે.

ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના બે દિવસ પહેલાં જ મહિલા ફૂટબોલના પ્રીલિમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ઘાટન સમારોહ ૨૪ જુલાઈ-૨૦૨૦ના રોજ આયોજિત કરાશે. રોવિંગ અને તીરંદાજીની શરૂઆત ૨૪ તારીખથી જ થઈ જશે, જ્યારે મહિલા શૂટિંગ ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધાનું આયોજન એક દિવસ પહેલાં થશે અને એ જ દિવસે મેડલ રાઉન્ડ પણ યોજાશે. પહેલા દિવસે કુલ ૧૧ મેડલ દાવ પર હશે, જેમાં શૂટિંગ ઉપરાંત તીરંદાજી, સાઇકલિંગ, ફેન્સિંગ, જૂડો, તાઇક્વાન્ડો અને વેઇટલિફ્ટિંગ માટે મેડલની રેસ યોજાશે. બીજા દિવસે બાસ્કેટબોલની શરૂઆત થશે.

તા. ૧ ઓગસ્ટે ૨૧ મેડલ માટે મુકાબલા યોજાશે. આ દિવસે જૂડો, ટ્રાઇથ્લોન, શૂટિંગમાં મેડલ પર ખેલાડીઓની નજર રહેશે. પછીના દિવસે મહિલા મેરેથોન, પુરુષ ૧૦૦ મીટર એથલેટિક્સ, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ સિંગલ્સ સહિત કુલ ૨૬ મેડલ દાવ પર રહેશે.

તા. ૮ ઓગસ્ટે કુલ ૩૦ ઇવેન્ટની ફાઇનલમાં ખેલાડી સંઘર્ષ કરશે. આ દિવસે રિધમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબોલ, પુરુષ ફૂટબોલ, પુરુષ વોલીબોલ, આર્ટિસ્ટિક સ્વિમિંગની ફાઇનલ યોજાશે. આ રમતો ઉપરાંત ઘણી અન્ય સ્પર્ધાઓમાંની પણ ફાઇનલ યોજાશે. તા. ૯ ઓગસ્ટે ઓલિમ્પિક રમતોત્સવનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરેથોન આયોજિત કરાશે.

You might also like