ઘરેઘરે શૌચાલયના લક્ષ્યાંકથી હવે માત્ર ૭૦૦ શૌચાલય દૂર!

અમદાવાદ: મેગાસિટી અમદાવાદના નાગરિકોને ખુલ્લામાં હાજત જવાની બદીમાંથી છોડાવવા કોર્પોરેશન દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવામાં આવે છે. કેટલા અંશે નાગરિકો વ્યક્તિગત શૌચાલયનો લાભ મેળવીને શહેરને સ્વચ્છ રાખી શક્યા છે. તે તો ચર્ચાનો વિષય છે. પરંતુ તંત્રનો એવો દાવો છે કે શહેરમાં વધુ ૭૦૦ વ્યક્તિગત શૌચાલય બનાવવાની જરૂર છે. ખાસ્સી સંખ્યામાં વ્યક્તિગત શૌચાલય બની ગયા બાદ લોકોને ઘરે ઘરે શૌચાલયની સુવિધા થઈ જશે.

આમ તો જે સ્લમ વિસ્તારમાં જગ્યાના અભાવે વ્યક્તિગત શૌચાલય બનાવી શકાય તેમ ન હોય તેવી જગ્યાએ પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યાં છે. હાલમાં અમદાવાદમાં ૩૧૪ જગ્યાએ પે એન્ડ યુઝ કાર્યરત છે. જેનું સંચાલન એનજીઓ દ્વારા કરવામાં આવે છે. જે પૈકી સ્લમ વિસ્તારમાં આવતાં ૧૩૪ પે એન્ડ યુઝ પ્લોટનું વાર્ષિક ત્રણ લાખની મર્યાદામાં કોર્પોરેશન દ્વારા રિપેરિંગનું કામ કરવામાં આવે છે.

તેમજ સ્લમ વિસ્તારના ટોઈલેટ બ્લોક ૨૪ કલાક વપરાશ માટે ખુલ્લું રહે તે માટે સંચાલન કરતા એનજીઓને કોર્પોરેશન તરફથી માસિક રૂ. ૨૫ હજાર અપાય છે તેમજ હયાત જાહેર શૌચાલયમાં જરૂરી સુધારા વધારા કરાય છે. આની પાછળ મ્યુનિ. તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે.

આ ઉપરાંત નિર્મળ ગુજરાત યોજના હેઠળ શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો રાજ્ય સરકારનો સહયોગથી વિના મૂલ્યે વ્યક્તિગત શૌચાલય બનાવી આપે છે. વર્ષ ૨૦૧૩-૧૪ અને વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૬૬૯૦ વ્યક્તિગત શૌચાલયનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો પરંતુ તંત્રએ ગત તા.૯ ડિસેમ્બર ૨૦૧૫ સુધીમાં ૨૨૭૬૮ વ્યક્તિગત શૌચાલય બનાવ્યાં છે. જે લક્ષ્યાંક કરતાં ૫૪૯૨ વ્યક્તિગત શૌચાલય વધુ છે.

મ્યુનિ. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ એવો દાવો કર્યો છે, શહેરને ખુલ્લામાં હાજત કરનારા લોકોની આ બદીથી મુક્ત કરવા માટે હવે ફક્ત ૭૦૦ વ્યક્તિગત શૌચાલય બનાવવાં પડશે!! ત્યાર બાદ નાગરિકોને ઘરે ઘરે શૌચાલયની સુવિધા મળતી થઈ જશે!

You might also like