CISFના જવાનો એરપોર્ટ પર મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હી: દેશભરનાં ૫૯ એરપોર્ટ પર તહેનાત સેન્ટ્રલ ઈન્ડ‌િસ્ટ્રયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનો હવે ડ્યૂટી પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત જો તેઓ વરદીમાં ન હોય તો શૌચાલયોનો પણ ઉપયોગ કરી શકશે નહીં.

આમ, હવે એરપોર્ટના હાઈ સિક્યોરિટી ઝોનમાં સીઆઈએસએફના જવાનો માટે ડ્યૂટી કરવી હવે થોડી મુશ્કેલ બની જશે. સીઆઈએસએફના નવા નિયમો અનુસાર એરપોર્ટના હાઈ સિક્યોરિટી ઝોનમાં ડ્યૂટી કરતા જવાનો શૌચાલય જઈ શકશે નહીં. સાથે જ તેઓ ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરી શકશે નહીં. સીઆઈએસએફ વિભાગનો આ નિર્ણય કેટલાક જવાનોની નશીલા દ્રવ્યો અને સોનાની દાણચોરીમાં કહેવાતી સંડોવણીની મળેલી ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે.

સીઆઈએસએફના વડા ઓ.પી. સિંહે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ હેતુસર આ આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર સીઆઈએસએફના કેટલાક જવાનો સોના અને ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ચેન્નઈ અને બેંગલુરુમાં તહેનાત બે જવાનોને આ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળો દેશભરના ૫૯ એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. સુરક્ષા સંબંધિત કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે સીઆઈએસએફના જવાનો પર નજર રાખવા એક સ્પેશિયલ કોર્ડની રચના પણ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like