‘ટોઇલેટ એબ્યુઝ’ના કારણે એરલાઇન્સ કંપનીઓ પરેશાન, કમાણી પર પણ અસર

નવી દિલ્હી: થોડા દિવસ પહેલાં દિલ્હીથી શિકાગો જઇ રહેલી ફ્લાઇટનાં આઠ ટોઇલેટની ખરાબ હાલતના કારણે યાત્રીઓને ખૂબ જ યાતના ભોગવવી પડી હતી. આ ઘટનાથી ‘ટોઇલેટ એબ્યુઝ’નો મુદ્દો સામે આવ્યો છે. એરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે યાત્રીઓએ ટોઇલેટમાં પ્લાસ્ટિકની બોટલો અનેે અન્ય કચરો ફેંકી દીધો, જેના કારણે ટોઇલેટ વાપરવા લાયક ન રહ્યાં. વિમાનના ટોઇલેટની અંદર એક યાત્રી કંઇ પણ કરે તો તેની સીધી અસર એરલાઇન્સની કમાણી પર પડે છે.

એરલાઇન્સ કંપનીનું તેના પર કોઇ નિયંત્રણ હોતું નથી. ટોઇલેટને યાત્રી કોઇ પણ હાલતમાં છોડીને જાય, પરંતુ વિચારવાનું તો એરલાઇન્સ કંપનીએ હોય છે કે આગળની ફ્લાઇટ માટે ઉડાન ભરવામાં આવે તે ગ્રાઉન્ડ પર તેને ઠીક કરવામાં આવે.

એર એરલાઇન્સ કંપનીએ જણાવ્યું કે જો કોઇ યાત્રી ટોઇલેટમાં પ્લાસ્ટિકની બોટલ કે ટિસ્યુ પેપર પણ ફેંકે છે તો તેના કારણે વેક્યુમ ફ્લશ સિસ્ટમ ખરાબ થઇ જાય છે. ટોઇલેટ પાઇપમાંથી ફેંકેલી વસ્તુઓ બહાર કાઢવામાં આવે છે અને પછી ફ્લશને યોગ્ય કરાવાય છે, જેના કારણે ફ્લાઇટ ઉપાડવામાં મોડું થાય છે.

એર ઇન્ડિયાના એક વરિષ્ઠ કે‌િબન ક્રુના સભ્યએ જણાવ્યું કે જૂના વિમાનમાં બ્લૂ લિક્વિડ કેમિકલ ટોઇલેટ ફ્લશ સિસ્ટમ હોય છે, જ્યારે કોઇ જામ હોય છે ત્યારે અમે ગરમ પાણી નાખીને થોડા સમય બાદ ફ્લશ કરીએ છીએ, જેથી તે જામ ઠીક થાય છે, પરંતુ બોઇંગ-૭૭૭, ૭૮૭ જેવાં કેટલાંક વિમાનોમાં એડ્વાન્સ ટેકનિક વેક્યુમ ફ્લશ છે, પરંતુ જો એક વાર તે જામ થઇ જાય તો પછી કંઇ કરી શકાતું નથી.

શનિવારે દિલ્હીથી શિકાગો જઇ રહેલ એર ઇન્ડિયાના બોઇંગ-૭૭૭ વિમાનના યાત્રીઓને ધરતીથી હજારો ફૂટ ઉપર ટોઇલેટની કમીનો સામનો કરવો પડ્યો. ૧૭ કલાકની આ મુસાફરી દરમિયાન ચાર ટોઇલેટ બંધ હતાં તથા બાકી ૮ પણ લે‌િન્ડંગથી બે કલાક પહેલાં બંધ કરી દેવાયાં હતાં. આ યાત્રા મુસાફરો માટે ખૂબ જ તકલીફદાયક રહી, કેમ કે આ વિમાનમાં ૩ર૪ વયસ્ક અને સાત બાળકો અને ક્રૂ મેમ્બર સામેલ હતા.

દિલ્હીથી શિકાગો જઇ રહેલા વિમાનમાં બનેલી આ ઘટના પર એર ઇન્ડિયાના પ્રવક્તાએ ભલે કંઇ ન કહ્યું હોય, પરંતુ ‘ટોઇલેટ એબ્યુઝ’ના મુદ્દાને તે સામે લાવ્યા છે.  ગત ઓગસ્ટમાં નેવાર્કથી મુંબઇ આવી રહેલી ફ્લાઇટને ઇસ્તંબૂલમાં લેન્ડ કરાવવી પડી હતી, કારણ કે તેનાં ટોઇલેટ ઉપયોગ લાયક ન હતાં. પ જૂનથી ર૩ ઓગસ્ટ સુધી આ સ્થિતિ ખૂબ જ ખરાબ રહી. ગંદા ટોઇલેટના કારણે લંડન, નેવાર્ક, શિકાગો અને ન્યૂયોર્ક જનારી ૧૪ ફ્લાઇટ મોડી ઉપડી હતી.

સિવિક સેન્સની કમી
એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે દુનિયાભરમાં એરલાઇન્સને આ સમસ્યા હોય છે, પરંતુ કોઇ પણ જગ્યાએ ભારતીય એરલાઇન્સ જેવી વિકટ સમસ્યા સર્જાતી નથી. સમસ્યા એ છે કે લોકોમાં સિવિક મેનર્સ નથી. કેટલાક યાત્રીઓ બીજાઓની બિલકુલ ચિંતા કર્યા વગર ટોઇલેટ ગંદાં છોડી દે છે. પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર કપ અને બોટલ પણ ત્યાં ફેલાયેલા જોવા મળે છે.
http://sambhaavnews.com/

You might also like