આજે મુંબઈ વિજયના ‘છગ્ગા’ની તેમજ દિલ્હી કમબેકની તલાશમાં

મુંબઈઃ સતત પાંચ જીત બાદ આત્મવિશ્વાસથી ભરપૂર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આજે અહીં આઇપીએલ-૧૦માં સંઘર્ષ કરી રહેલી દિલ્હી ડેરડેવિલ્સ સામે રાત્રે ૮.૦૦ વાગ્યે મેદાનમાં ઊતરશે ત્યારે મુંબઈનો ઇરાદો વિજયનો ‘છગ્ગો’ ફટકારવાનો અને દિલ્હીનો ઇરાદો કમબેક કરવાનો રહેશે.

બેટિંગ મુંબઈની તાકાત
રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈએ ગત ગુરુવારે ઇન્દોરમાં ૧૯૯ના રનના લક્ષ્યનો પીછો કરતાં ઇંગ્લિશ બેટ્સમેન જોશ બટલરના ૩૭ બોલમાં ૭ રનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબને કારમો પરાજય આપ્યો હતો. મુંબઈની ટીમ ઓરેન્જ કેપધારી નીતિશ રાણાના પ્રદર્શન પણ ઘણી ખુશ છે. ગત મેચમાં અણનમ અર્ધસદી સહિત રાણા આ સિઝનમાં અત્યાર સુધીમાં ૨૫૫ રન ફટકારી ચૂક્યો છે. રોહિતની સાથે રાણા, પંડ્યા બ્રધર્સ-હાર્દિક અને કૃણાલ, વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ તેમજ બટલર ફોર્મમાં રમી રહ્યા છે, કોઈ પણ વિરોધી ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. મુંબઈ લક્ષ્ય નિર્ધારિત કરવાના બદલે તેનો પીછો કરવાનું પસંદ કરે છે, કારણ તેણે અત્યાર સુધી જીતેલી પાંચેય મેચ લક્ષ્યનો પીછો કરતાં જ જીતી છે. સૌથી સારી વાત એ છે કે મુંબઈની ટીમ કોઈ એક બેટ્સમેન પર નિર્ભર રહેતી નથી. તેઓ પાસે પોલાર્ડ જેવો વિસ્ફોટક બેટ્સમેન પણ છે, જે કોઈ પણ મેચમાં એકલા હાથે પાસું પલટી નાખવા સક્ષમ છે.

દિલ્હીની આશાઃ
દિલ્હી માટે યુવા બેટ્સમેન સંજુ સેમસન અને ઋષભ પંતે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટીમને ટોચના ક્રમમાં સેમ બિલિંગ્સ અને કરુણ નાયર પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ગત મેચમાં બિલિંગ્સની નિષ્ફળતા ચિંતાની વાત છે. તેણે સેમસન સાથે મળીને ટીમને સારી શરૂઆત આપવી પડશે, ખાસ કરીને બેટ્સમેનોને મદદરૂપ એવી વાનખેડેની પીચ પર. શ્રેયસ ઐયર પાસેથી પણ સારા પ્રદર્શનની ઝહીરના નેતૃત્વવાળી દિલ્હીની ટીમને આશા છે. આજની મેચમાં એ જોવું પણ દિલચસ્પ બની રહેશે કે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલ એન્જેલો મેથ્યુસને તક મળે છે કે નહીં. ટીમની બોલિંગનો આધાર ક્રિસ મોરિસ, કેપ્ટન ઝહીર ખાન અને પેટ કમિન્સ પર છે. આ પીચ પર લેગ સ્પિનર અમિત મિશ્રા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

http://sambhaavnews.com/

You might also like