કોંગ્રેસ પક્ષની ચિંતન બેઠકમાં આજે ‘હાર્દિક ફેક્ટર’ની ચર્ચા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને સત્તાનું સુકાન ફરીથી સંભાળતાં અટકાવી ન શકી, પરંતુ ભાજપને રીતસર હંફાવી દીધું. આ વખતે કોંગ્રેસે પ્રશંસનીય સફળતા મેળવી તેની સામાન્ય મતદારોએ પણ ગંભીરતાથી નોંધ લીધી છે, જોકે કોંગ્રેસે રાહુલ ગાંધી ઉપરાંત યુવા ત્રિપુટી ઉપર પણ દારોમદાર રાખ્યો હતો.

પક્ષની ચિંતન બેઠકના આજના ‌બીજા દિવસે આ ત્રિપુટી પૈકીના એક હાર્દિક પટેલના ફેક્ટરની પણ ચર્ચા થશે. હાર્દિક પટેલના રાજ્યવ્યાપી પાટીદાર સમાજને અનામત આપવાના આંદોલનના કારણે રાજ્યમાં અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં ‘પંજા’એ ચૂંટણીજંગમાં મેદાન માર્યું હોઈ હાર્દિક પટેલની પ્રશંસા કરાશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ગઇ કાલથી મહેસાણાના સેફ્રોની રિસોર્ટમાં ચિંતન શિબિર યોજાઇ રહી છે. આ શિબિર સતત ત્રણ દિવસ સુધી ચાલશે. એક પ્રકારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો માટે ચિંતન બેઠક બળાપો ઠાલવનારી બેઠક બની છે. ઉત્તર ગુજરાતના સ્થાનિક આગેવાનોએ ગઇ કાલે અલ્પેશ ઠાકોરને હાર માટે જવાબદાર ગણ્યા હતા. અમુક આગેવાનોએ હાર્દિક પટેલ સામે પણ બળાપો કાઢ્યો હતો.

પરંતુ આજની બેઠકમાં હાર્દિક પટેલ અને તેના આંદોલનની પ્રશંસા થશે, કેમ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં મળેલી ૧૭ બેઠક જેટલી જ ૧૭ બેઠક આ ચૂંટણીમાં મળી હતી, જ્યારે ભાજપને માત્ર એક બેઠકનું નુકસાન થયું હતું, પરંતુ સૌરાષ્ટ્રમાં લગભગ અત્ર-તત્ર-સર્વત્ર ‘પંજા’નો જયજયકાર થયો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ફક્ત ૧૬ બેઠક હતી, જેમાં આ ચૂંટણીમાં ૧૪ જેટલી બેઠકનો ધરખમ વધારો થઇને કોંગ્રેસના ફાળે ૩૦ બેઠક આવી હતી. જ્યારે ભાજપને છેલ્લી ચૂંટણીમાં મેળવેલી ૩પ બેઠકની સામે માંડ ર૩ બેઠક મળતાં કમળને ૧ર બેઠકનું નુકસાન થયું હતું. કોંગ્રેસને ૩ર વર્ષ પછી ૮૦થી વધુ બેઠક મેળવવામાં સૌરાષ્ટ્રનો સિંહફાળો હતો.

પાટીદાર આંદોલનના એપી સેન્ટર રહેલા મહેસાણા, સુરત અને નિકોલમાં કોંગ્રેસનો ખાસ ગજ વાગ્યો નથી, પરંતુ હાર્દિક પટેલની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. મોરબીની ત્રણેય બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. અમરેલી ‌િજલ્લાની પાંચ પૈકી ચાર બેઠક પર આંદોલનના કારણે કોંગ્રેસનો વિજય થયો હતો.

ધોરાજીમાં પાસના લલિત વસોયા જીતી ગયા હતા. જૂનાગઢ જિલ્લામાં પણ પાટીદાર સમાજના મત કોંગ્રેસને જીતાડવા અસરકારક બન્યા હતા તેમ જણાવતાં કોંગ્રેસનાં સૂત્રો કહે છે, આજની બેઠકમાં સૌરાષ્ટ્રમાં પક્ષને મળેલી સફળતા માટે રાહુલ ગાંધી ઉપરાંત હાર્દિકની પ્રશંસા કરાશે. ગઇ કાલે અલ્પેશ ઠાકોરને વિલન માનનારા ઉત્તર ગુજરાતના સ્થાનિક નેતાઓના બદલે આજે સૌરાષ્ટ્રના સ્થાનિક નેતાઓ હાર્દિક પટેલ પ્રત્યે માનની લાગણી વ્યક્ત કરશે.

પક્ષનાં સૂત્રો વધુમાં કહે છે, સૌરાષ્ટ્રની જે બેઠક પર કોંગ્રેસની હાર થઇ છે તેવી બેઠક પરની હારનાં કારણોની સમીક્ષા કરાશે, પરંતુ ગઇ કાલની બેઠકની જેમ કોઇના વ્યક્તિગત આક્ષેપ નહીં કરાય, પરંતુ લોકસભાની ર૦૧૯માં યોજાનારી ચૂંટણીમાં પક્ષના વધુ ઊજળા દેખાવ માટે સંગઠનની ખામી કે ભૂલ અંગે વિસ્તૃત ચર્ચા કરાશે.

You might also like