૧૬ વર્ષ પહેલાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ગુરમીત રામરહિમ પર આજે ચુકાદો

ચંદીગઢ: સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે. આ કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહિમ સિંહ આરોપી છે. 2 જાન્યુઆરીએ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ પહેલાના આ કેસમાં આરોપી ગુરમીત રામરહિમ, નિર્મલ, કુલદીપ અને કૃષ્ણલાલને કોર્ટમાં હાજર રહેવાના આદેશ જારી કર્યા હતા.

રોહતકની સુનારિયા જેલમાં કેદ ડેરા પ્રમુખ ગુરમીત રામરહિમમે વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર હરિયાણા સરકારની અપીલ પર સીબીઆઈ કોર્ટે રામરહિમની વીડિયો કોન્ફરન્સ કરાવવાને મંજૂરી આપી છે. આ કેસમાં પણ જજ જગદીપ સિંહ ચુકાદો આપશે, જેમણે સાધ્વી યૌનશોષણ કેસમાં રામરહિમને સજા ફટકારી હતી.

ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પંજાબ અને હરિયાણા પોલીસે એલર્ટ જારી કરી તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે, જો ગુરમીત રામરહિમને પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થા બગડશે. ડેરા સમર્થક આજના ચુકાદાથી અને રામરહિમને કોર્ટમાં હાજર જોઈને બેકાબુ બની શકે છે. આ કારણે જ હરિયાણા સરકારે કોર્ટને અપીલ કરી હતી કે, રામરહિમને જેલમાં જ રાખવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, પંજાબનો માલવા વિસ્તાર ગુરમીત રામરહિમના પ્રભાવવાળો ગણાય છે. આ કારમે ત્યાંના આઠ જિલ્લાઓમાં સુરક્ષાદળોની 25 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભટિંડા અને માનસા જિસ્સામાં અંદાજે 15 કંપનીઓના 1200 જવાનો તહેનાત કરાયા છે. ફિરોઝપુર, ફરીદકોટ, મોગા અને ફાજિલ્કામાં 10 કંપનીના 700 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સૌથી વધુ સુરક્ષાકર્મીઓ કોટકપુર, જૈતો, બાઘા પુરાના અને મોગામાં તહેનાત કરવામાં આવ્યા છે. બરનાલામાં પણ વધારાના 150 જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ 16 વર્ષ પહેલાનો છે. વર્ષ 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ સતત પોતાના અખબારમાં ડેરા સચ્ચા સૌદામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અને અનર્થ સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચારો પ્રકાશિત કરતા હતા.

સાધ્વી યૌન શોષણ કેસમાં જે પત્રો લખવામાં આવ્યા હતા, તેના આધારે જ રામચંદ્ર છત્રપતિએ પોતાના અખબારમાં સમાચારો પ્રકાશિત કર્યા હતા. તેમના પરિવારજનોનો આરોપ છે કે, પહેલા રામચંદ્ર પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમણે આરોપીઓ સામે ઝૂકવાનો સાફ ઈન્કાર કર્યો ત્યારે 24 ઓક્ટોબર, 2002ના રોજ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. 21 નવેમ્બર, 2002ના દિવસે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

You might also like