આજે રામલીલા મેદાન પર ભાજપ દ્વારા મિશન-2019નો સત્તાવાર આરંભ

નવી દિલ્હી: આજથી નવી દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે બપોરે ૩-૦૦ વાગ્યે ભાજપ દ્વારા મિશન-ર૦૧૯નો સત્તાવાર આરંભ કરવામાં આવશે. આજે રામલીલા મેદાનમાં ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય મહાઅધિવેશનનો પ્રારંભ થશે. આજે અને આવતી કાલે આ સંમેલનમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહાસંમેલનમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોને ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિજયનો ગુરુમંત્ર આપશે.

આ અધિવેશનમાં ભાગ લેવા દેશભરમાંથી ભાજપના ૧૪,૦૦૦ જેટલા કાર્યકરો અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ભાજપના તમામ સાંસદ, તમામ ધારાસભ્ય, તમામ જિલ્લા અધ્યક્ષ, તમામ મહામંત્રીઓ, તમામ મુખ્યપ્રધાન, તમામ પ્રદેશ પક્ષ વડાઓ, તમામ વિપક્ષી નેતાઓ હાજર રહેશે.

આ અધિવેશનની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી થશે જ્યારે સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મિશન-ર૦૧૯ માટે પક્ષ કાર્યકરોને વિજય મંત્ર આપશે. બે દિવસના અધિવેશન દરમિયાન પીએમ મોદી રામલીલા મેદાનમાં હાજર રહેશે. આ માટે મંચની નજીક મીની પીએમઓ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી તેઓ કામ કરશે. જયાં સુધી પીએમ મોદી રામલીલા મેદાનમાં રહેશે ત્યાં સુધી પીએમઓના કેટલાક અધિકારીઓ પણ હાજર રહેશે.

સંમેલનમાં પ્રથમ દિવસે બે ઠરાવ રજૂ કરવામાં આવશે. બીજા દિવસની બેઠકમાં પણ ઠરાવો રજૂ કરાશે. સંમેલનમાં રાજકીય અને આર્થિક મુદ્દાઓ સહિત કુલ ત્રણ મુખ્ય ઠરાવ પાસ થવાની સંભાવના છે. એ ઠરાવ ૧૦ ટકા અનામત વિધેયક પર રજૂ કરાશે.

આ કાર્યક્રમ માટે ૧૦૦ ફૂટ પહોળું અને ૪૦ ફૂટ લાંબું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ૧૦,૦૦૦થી વધુ લોકોને કવર કરવા માટે હાઇટેક વોટરપ્રૂફ ભવ્ય પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. ૩,૦૦૦ કાર્યકરોના ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

You might also like