આજે GST કાઉન્સિલની બેઠક અનેક ચીજવસ્તુઓ સસ્તી થશે

નવી દિલ્હી: આજે નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ટીવી, સિમેન્ટ, ટાયર, એસી અને ડિજિટલ કેમેરા સહિતની ૧૨થી ૧૫ વસ્તુઓને ૨૮ ટકાના ઊંચા સ્લેબથી નીચે લાવીને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવનાર છે.

જીએસટી કાઉન્સિલ સામાન્ય જરૂરિયાત અને વપરાશથી લઇને કેટલીય લક્ઝુરિયસ વસ્તુઓ પર પણ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી શકે છે. આમ, આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામાન્ય લોકોને ઢગલો રાહત મળી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે ૯૯ વસ્તુઓ અને સેવાઓને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની હિમાયત કરી હતી અને આજે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ૨૨૬ વસ્તુઓ અને સેવાઓ ૨૮ ટકાના ઊંચા ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. અહેવાલ અનુસાર હવે જીએસટીના આ ટોપ સ્લેબમાં ૨૨૬ આઇટમની જગ્યાએ માત્ર ૩૫ આઇટમ જ રહેશે. સોફ્ટ ડ્રિંક, સિગારેટ, પાન મસાલા અને તમાકુ પ્રોડક્ટ પણ તેમાંથી બહાર થઇ જશે, જ્યારે વિમાન, રિવોલ્વર અને પિસ્તોલ જેવી ચીજવસ્તુઓ ૨૮ ટકાના સ્લેમાં રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિમેન્ટ અને ટાયર જેવી પ્રોડક્ટ પર કાઉન્સિલ ટેક્સ ઘટાડી શકે છે. આ ઉપરાંત ઘરેલુ વપરાશની ચીજવસ્તુ પર પણ ટેક્સ ઘટી શકે છે.

આ નિર્ણયના કારણે સરકારની આવકમાં રૂ. ૨૦ હજાર કરોડ સુધીનો ઘટાડો થઇ શકે છે. જીએસટી કાઉન્સિલ ૬૮ સે.મી. સુધીના કમ્પ્યૂટર મોનિટર પર જીએસટી ઘટાડી શકે છે. પાવર બેન્ક પણ ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં આવી શકે છે. વીડિયો ગેમ કન્સોલ, ટ્રેક્ટર ટ્રોલી, ડિશ વોશર, વીડિયો કેમેરા રેકોર્ડર, મોપેડ પર પણ જીએસટી ઘટી શકે છે. જીએસટી કાઉન્સિલમાં ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે અથાણાં, ટોમેટો પ્યુરી જેવી ચીજો પર પણ જીએસટી હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

You might also like