આજથી પાવાગઢ-ચાંપાનેરમાં પંચ મહોત્સવ

અમદાવાદ: મધ્યકાલીન ગુજરાતની રાજધાનીનું ગૌરવ ધરાવતા પાવાગઢ- ચાંપાનેરને પ્રથમ પંચ મહોત્સવ માટે સુસજ્જ કરી દેવામાં આવ્યા છે. પાવાગઢ-ચાંપાનેરના ધાર્મિક અને ઈતિહાસ વારસા સ્થળને ભારતના અને વિશ્વના ટૂરિઝમ મેપમાં સ્થળ અપાવવાના ઉમદા હેતુ સાથે આ પંચ મહોત્સવનું ટીસીજીએલ તેમજ જિલ્લા પ્રશાસને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સહિત સંબંધિત સંસ્થાઓના સહયોગથી આયોજન કર્યું છે અને તેને માત્ર એક વર્ષ પૂરતો મર્યાદિત ન રાખતા રણોત્સવ જેવી વાર્ષિક પરંપરા બનાવવાની રાજય સરકારની નેમ છે. પાંચ દિવસનો પંચ મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે.

પંચ મહોત્સવના આયોજનથી પ્રવાસીઓ અને પ્રવાસીઓની સુવિધાઓ બંનેમાં વધારો થશે તેવી લાગમી વ્યક્ત કરતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના કન્ઝર્વેશન આસિસ્ટન્ટ એ. જે. પરમારે જણાવ્યું હતું કે મહાકાલી ધામ અને જામા મસ્જિદથી જાણીતા પાવાગઢ- ચાંપાનેર ૧૧૪ જેટલી સમૃધ્ધ હેરિટેજ સાઈટસ ધરાવે છે જે પૈકી કેટલીક તો ગાઢ જંગલમાં આવેલી છે. આમ, પાવાગઢ- ચાંપાનેર વાસ્તવમાં તો ધાર્મિક -ઐતિહાસિક વિરાસતોનું એક મહાનગર છે. જેના અંગે લોકજાગૃતિ ધણી ઓછી છે.

પંચ મહોત્સવનો એક આશય આ વિરાસત નગરની સર્વાંગી ઝાંખી કરાવવાનો છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન સહિત વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પવિત્ર અને પુરાતન સ્થળો આવેલા છે. જે અહર્નીશ ભક્તિ અને બંદગીની સુવાસ પ્રસરાવે છે. આમ, પાવાગઢ -ચાંપાનેર કોમી એકતાનું ઈતિહાસ ધામ છે.

પ્રવાસીઓ સરળતાથી મહત્તમ હેરિટેજ સાઈટસ જોઈ શકે અને માણી શકે તે માટે ત્રણ હેરિટેજ પાથ નિર્ધારિત કરવામાં આવ્યા છે તેવી જાણકારી આપતા પરમારે વધુમાં જણાવ્યું હતું કે મીનાર મસ્જિદથી, વડાતલાવથી અને માંચી સ્થિત ખાપરા ઝવેરી મહેલથી આ પાથ શરૂ થશે. પ્રવાસીઓ માટે ઈતિહાસ દર્શન પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પુરાતત્વ સર્વેક્ષણ સ્થાનિક પ્રશાસનની મદદથી દર્શનીય ધરોહરના સ્થળોનું જરૂરી નવીનીકરણ કર્યું છે. એ પણ ઉલ્લેખનીય છે. જંગલમાં આવેલી સાઈટસ સુધી પ્રવાસીઓ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રવાસીઓના નિવાસ અને રોકાણ માટે ૮૦ અદ્યતન સુવિધા સુસજજ ટેન્ટસ બનાવવામાં આવ્યા છે એટલે પ્રવાસીઓ કેમ્પ કલ્ચરનો આનંદ માણી શકશે. યુનેસ્કોએ જેને ૨૦૦૪માં વિશ્વ વારસા સ્થળ જાહેર કર્યું છે તેવા ચાંપાનેર-પાવાગઢ પ્રવાસીઓને આવકારવા સંપૂર્ણ સુસજ્જ છે.

You might also like