આજે ટ્રમ્પ-પુતિન વચ્ચે ઔપચારિક બેઠક પર સમગ્ર દુનિયાની નજર

એ‌સ્ટોરિયા: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્ત્વની બેઠક કરવા ફિનલેન્ડની રાજધાની હેલસિંકી પહોંચી ગયા છે. બંને નેતાઓ વચ્ચે ‌િસરિયા, ઇરાન, અમેરિકન ચૂંટણીમાં દખલગીરી અને યુક્રેનના મુદ્દા સહિત અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર સઘન ચર્ચા વિચારણા થશે.

આ એવા બે નેતાઓ વચ્ચે પ્રથમ ઔપચારિક વાતચીત થનાર છે જેે સ્વભાવ અને કાર્ય પદ્ધતિની બાબતમાં એકબીજાથી તદ્દન અલગ અને વિરોધાભાસી છે. હેલસિંકીમાં યોજાનારી બેઠક પૂર્વે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ બેઠક અંગે અમને ખૂબ જ આશા અને અપેક્ષા છે. જોકે ટ્રમ્પ પર હાલ ર૦૧૬માં યોજાયેલ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની દખલગીરીનો મુદ્દો પુતિન સામે ઉઠાવવા માટે જોરદાર દબાણ છે.

આજે યોજાનારી ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠક બાદ બંને નેતાઓ સંયુકત નિવેદન પણ જારી કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન અમેરિકા સૌથી વધુ જોર ભારત, રશિયા અને ચીન વચ્ચે થઇ રહેલ શકિતશાળી ગઠબંધનને નબળું પાડવા પર રહેશે. અમેરિકા સત્તાનું સંતુલન પોતાની તરફેણમાં કરવાની કોશિશ કરશે. તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યોજાયેલી બેઠકમાં નાટો વિભાજિત નજરે પડી રહ્યું છે. નાટોની આર્થિક રીતે સૌથી શકિતશાળી દેશ જર્મની પર પુતિનનો સૌથી વધુ પ્રભાવ છે. યુરોપિયન યુનિયનમાં મોજુદ અમેરિકાના જૂનાં સહયોગી રાષ્ટ્રો પર પણ પુતિનનો પ્રભાવ વધી રહ્યો છે.
આ સંજોગોમાં જો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો પુતિનને સાથે લઇને નહીં ચાલે તો વૈ‌િશ્વક સત્તાનું સંતુલન વણસી શકે છે. એપ્રિલમાં નરેન્દ્ર મોદીની શી જિનપિંગ સાથે અને મેે મહિનામાં પુતિન સાથેની અનૌપચારિક બેઠકને પગલે મોસ્કો, બીજિંગ અને નવી દિલ્હીનો ટ્રાયન્ગલ મજબૂત થયો છે, જેને લઇને અમેરિકા પરેશાન છે.

You might also like