ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે રૂ. 19 કરોડની ખરીદી થઈ

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે ત્યારે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. પ્રથમ દિવસે માત્ર 19 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થઈ હતી. જ્યારે રાજ્યના દ્વારકા, બનાસકાંઠા અને રાજકોટમાં મગફળી ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

કમ્પ્યૂટરના ઓનલાઇન સર્વરમાં ખામી સર્જાતા ખરીદીમાં વિક્ષેપ થયો હતો. જ્યારે અનેક જગ્યાએ બારદાન અને ભરતીમાં ગોલમાલને લઈને ખરીદી અટકાવાઈ હતી. મગફળીની ખરીદીમાં વિક્ષેપ પડતા ખેડૂતો પરેશાન થયા હતા.

બનાસકાંઠામાં મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટમાં માત્ર 243 ખેડૂતોની મગફળી જ ખરીદાતા ખરીદીમાં નિરાશા જોવા મળી રહી છે.

સરકારે ટેકાના ભાવે 39 હજાર ક્વિન્ટલ મગફળી ખરીદી કરી છે. 2820 ખેડૂતોની 39 હજાર ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. અંદાજીત 19.50 કરોડની કિંમતની મગફળી સરકારે ખરીદી કરી છે.

ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરી છે પરંતુ મગફળીની ભરતીમાં કૃષિમંત્રીની વાત અને પરિપત્રમાં વિરોધાભાસ હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કૃષિમંત્રીના નિવેદન મુજબ એક ગુણીમાં 30 કિલો લેવાની હોય જેના બદલે ખરીદ કેન્દ્ર પર ફરજિયાત 35 કિલો મગફળી લેવાતા ખેડૂતો વિફર્યા હતા અને તમામ ખેડૂતોએ મગફળીના વેંચાણનો બહિષ્કાર કર્યો હતો.

You might also like