તસ્કરો માટે આજે મુહૂર્તનો દિવસ પૂર્વ વિસ્તારમાં પોલીસ અેલર્ટ

અમદાવાદ: દિવાળીના પાંચ દિવસના પર્વમાં કાળી ચૌદસને વ્યવહાર માટે અશુભ ગણવામાં આવે છે, પરંતુ તસ્કરો માટે કાળી ચૌદસનો દિવસ મુહૂર્ત માટે ઉત્તમ ગણવામાં આવે છે. આજે કાળી ચૌદસ છે ત્યારે તસ્કરોએ ચોરી કરવા માટે સક્રિય થયા છે તો તેમને રોકવા માટે પોલીસે પણ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

કાળી ચૌદસના દિવસે તસ્કરો તાળાં તોડવાના ગણેશિયાની પૂજા કરી રાતે ચીબરીના અવાજના આધારે તે દિશામાં ચોરી કરીને મુહૂર્ત કરે છે. તસ્કરો કાળી ચૌદસ અને દિવાળી આ બે દિવસને મુહૂર્ત કરવા માટે શ્રેષ્ઠ માને છે.

આજે કાળી ચૌદસ છે ત્યારે તસ્કરો પોતાના ઇરાદા પાર પાડવા માટે ચોરીની ઘટનાને અંજામ આપશે તો બીજી તરફ આવા તસ્કરોને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવ્યું છે.

ચોરી, ચેઇન સ્નેચિંગ, લૂંટ અને સામાન્ય ગુનાખોરીમાં સંડોવાયેલા આરોપીઓના ઘરે જઇને મોડી રાતે પોલીસે સર્ચ કર્યું હતું. પૂર્વ વિસ્તારમાં અનેક નાના-મોટા ગુનેગારો રહે છે, જે તમામ પ્રકારના ગુના આચરવામાં નિષ્ણાત હોય છે. આજે કાળી ચૌદસના દિવસે તેઓ ચોરી કરે નહીં તે માટે પોલીસ સતર્ક બની છે.

મોડી રાતે પોલીસે ૩૦૦ કરતાં વધુ આરોપીઓના ઘરે જઇને સર્ચ કર્યું હતું અને તેમના પર વોચ રાખી હતી. તમામ આરોપીઓની વિગતો લઇને ચોરી નહીં કરવા અથવા ગુનાખોરી નહીં કરવા માટે વોર્નિંગ આપી હતી જ્યારે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા.

ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે જણવ્યું છે કે આજે તસ્કરો ચોરી કરવા માટે જશે, જેમને રોકવા માટે તેમના પર વોચ રાખવામાં આવી છે અને ઠેરઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોડી રાતે પુર્વ વિસ્તારમાં રહેતા ૩૦૦ કરતાં વધુ આરોપીઓના ઘરે જઇને પોલીસે સર્ચ કર્યું હતું.

You might also like