દેશનાં અનેક રાજ્યમાં આજે આંધી-તોફાનનો ખતરોઃ એલર્ટ જારી કરાયું

નવી દિલ્હી: હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્ચિમી ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તાર સહિત દેશનાં અનેક રાજ્યમાં ફરી આંધી સાથે તોફાન-વરસાદ થઈ શકે છે જ્યારે અત્યાર સુધીમાં દેશમાં આંધી-તોફાનથી કુલ ૧૫૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે આજે દિલ્હી સહિત એનસીઆર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ સાંજ સુધીમાં હવામાનમાં પલટો આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

દરમિયાન ૨૪ કલાક દરમિયાન આંધી-તોફાન અને વરસાદના કારણે થયેલી દુર્ઘટનામાં છ રાજ્યમાં ૪૮ લોકો માર્યા ગયા જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા. સૌથી વધુ ૧૮ મોત ઉત્તરપ્રદેશમાં થયાં છે તો પશ્ચિમ બંગાળમાં ૧૨, આંધ્રમાં ૯, તેલંગાણામાં ૩, ગુજરાતમાં ૪ લોકોનાં મોત નીપજ્યાં છે.

દિલ્હીમાં ૧૦૯ કિલોમીટરની સ્પીડે પવન ફુંકાયો હતો, જેનાથી દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ ૨ લોકોનાંં મોત નીપજ્યાં હતાં જ્યારે કે ૧૮ લોકો ઘાયલ થયા હતા.જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તેજ હવાની સાથે આંધી અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.

આ ઉપરાંત ૫૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, રાયલસીમા, દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારો, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં તેજ હવાની સાથે આંધીની ચેતવણી અપાઈ છે.

ઓડિશાના દૂરદૂરના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો રાજસ્થાનના અનેક વિસ્તારમાં ધૂળનું તોફાન આવી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અંતરિયાળ વિસ્તારમાં તેજ પવનની સાથે તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. ઓડિશા અને દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારમાં તેજ હવાઓની સાથે આંધીનું એલર્ટ અપાયું છે તો રાજસ્થાન અને વિદર્ભના કેટલાક વિસ્તારમાં લૂ પરેશાન કરશે.

ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૧૮નાં મોત
આંધી સાથે તોફાન અને વરસાદના કારણે ઉત્તરપ્રદેશના ૧૨ જિલ્લામાં ૧૮ લોકોનાં મોત થયાં છે જ્યારે ૨૫ લોકોને ઈજા અને ૩૭ જેટલાં મકાનને નુકસાન થયું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં વીજળી પડવાથી ૯ લોકોનાં મોત, તેલંગાણામાં પણ ૩નાં મોત થયાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ દિલ્હીમાં પણ ૧૮૯ ઝાડ, ૪૦ થાંભલા અને ૩૧ દીવાલ પડતાં બે લોકોનાં મોત થયાં છે.

હેમામાલિનીનો આબાદ બચાવ
સમગ્ર ઉત્તર ભારતમાં વંટોળ અને તોફાનનો કબજો છે, જેમાં કેટલાક લોકોનાં મોત નીપજ્ય છે ત્યારે ભાજપ સાંસદ હેમામાલિની પણ બાલ બાલ બચ્યાં છે. મળતી માહિતિ મુજબ હેમામાલિની એક ગામમાં સભા સંબોધિત કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના કાફલા સામે એકાએક ઝાડ ધરાશાયી થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતાથી ઝાડ ગાડી સાથે ટકરાય તે પહેલાં જ બ્રેક મારી દીધી હતી, જેથી હેમામાલિની બાલ-બાલ બચ્યાં હતાં.

દિલ્હીમાં વિમાન-રેલવે સહિત મેટ્રો સેવાને અસર
ભારે પવન ફુંકાવવાના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ૭૦ ફ્લાઈટ જયપુર, અમૃતસર, લખનૌ ડાઇવર્ટ કરાઈ હતી, જેમાંથી ૯ ફ્લાઈટને લખનૌમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવાયું છે. ઝાડ પડવાથી અને વીજળીનો સપ્લાય ઠપ થવાથી માર્ગ અને રેલવે ટ્રાફિક પ્રભાવિત થયાે છે. દિલ્હી, મુરાદાબાદ, ગાઝિયાબાદમાં ૧૨થી વધુ ટ્રેન કલાકો સુધી ફસાયેલી રહી. દિલ્હીમાં રવિવારે સાંજના ૫ વાગ્યા બાદ લગભગ ૨ કલાક મેટ્રો સેવાઓ બંધ રહી હતી.

You might also like