PM મોદી અને નાયડુ વચ્ચેની મંત્રણા બાદ આજે આખરી નિર્ણય

નવી દિલ્હી: આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી રહેલી તેલુગુ દેશમ પાર્ટીની નારાજગી હવે જાહેર થઈ ગઈ છે, જેમાં મોદી કેબિનેટમાં સામેલ ટીડીપીના બે પ્રધાન આજે રાજીનામાં આપે તેવી શક્યતા છે, જોકે આ બાબતે મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને વડા પ્રધાન મોદી વચ્ચે આજે મંત્રણા થયા બાદ આખરી નિર્ણય લેવામાં આ‍વશે. આ અંગે એવું જણાવવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન સાથે વાતચીત બાદ જ નાયડુ તેમના પ્રધાનને આ મામલે અંતિમ આદેશ આપશે.

આ અગાઉ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન નાયડુએ ગઈ કાલે રાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમના રાજ્ય સાથે અન્યાય થયો છે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો નિભાવ્યો નથી, જેના કારણે અમે કેન્દ્ર સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. નાયડુએ જણાવ્યું કે અમને સત્તાની ભૂખ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અમારી આ માગણી અંગે અનેક વાર વડા પ્રધાન મોદીને મળવાની વાત કરી હતી પણ તેમણે અમને સમય જ આપ્યો નથી અને ત્યારબાદ પણ અનેક વાર તેમને મળવા પ્રયાસ કર્યા હતા પણ તેમાં અમને સફળતા મળી ન હતી. તેથી અમારી પાર્ટીએ ગઈ કાલે કેન્દ્ર સરકાર સાથેથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.

તેથી હવે આ મામલે ભાજપ આગળ શું પગલાં લેવા માગે છે તેની અમે રાહ જોઈએ છીએ અને આ મામલે આજે વડા પ્રધાન મોદી અને નાયડુ વચ્ચે વાતચીત થયા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

દરમિયાન આ મુદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી આવા મહત્ત્વપૂર્ણ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનનો ફોન પણ ન ઉઠાવે તે વાત નાયડુ માટે જ નહિ પણ આંધ્રપ્રદેશની જનતા માટે યોગ્ય ગણી ન શકાય. બીજી તરફ આગામી ૧૩મીએ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષોની બેઠક માટે ટીડીપીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ બેઠકમાં અનેક વિપક્ષ હાજરી આપે તેવી સંભાવના છે.

You might also like