શ્રીલંકાનું પુગોડા શહેર આજે ફરી વાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઊઠ્યું

શ્રીલંકામાં અત્યાર સુધીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ દ્વારા ખોફનાક આતંકી હુમલાને હજુ એક અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં ફરી એક વખત શ્રીલંકા બોમ્બ ધડાકાથી ધ્રુજી ઊઠ્યું હોવાના અહેવાલ મળે છે. આજે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિ.મી. દૂર આવેલા પુગોડા શહેરમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટના અવાજ સંભળાતાં સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ અને અફરાતફરી મચી ગઈ હતી. આ બોમ્બ વિસ્ફોટનો પ્રચંડ અવાજ દૂર સુધી સંભળાયો હતો અને ફરી એક વખત લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આજે સવારે પુગોડા શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ એવા પ્રકારના છે જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર પુગોડામાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ આવેલી એક ખાલી જગ્યા પર આ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને પોલીસ તેની તપાસમાં લાગી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્ટરના તહેવાર પર કોલંબોમાં જુદાં જુદાં સ્થળોએ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કુલ ૩૫૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ભારતે ૧૦ દિવસ પહેલાં શ્રીલંકાને ચેતવણી આપી હતી
દરમિયાન આજે એવો ઘટસ્ફોટ થયો છે કે શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ૧૦ િદવસ પહેલાં ભારતે શ્રીલંકાને એક વિસ્તૃત અેડ્વાઈઝરી જારી કરી હતી એટલું જ નહીં, ભારતે ૧૦ દિવસ અગાઉ શ્રીલંકામાં આત્મઘાતી હુમલા થવાના છે એવી ચેતવણી આપી હતી તેમજ તેમાં સામેલ સંગઠન, તેના નેતા અને અન્ય સભ્યોનાં નામ અંગે પણ માહિતી આપી હતી.

ભારતે જારી કરેલ ત્રણ પાનાંની એડ્વાઈઝરીમાં આતંકી સંગઠન નેશનલ તૌહિદ જમાતનું નામ પણ જણાવ્યું હતું, તેમાં સામેલ લોકોનાં સરનામાં પણ આપ્યાં હતાં એટલું જ નહીં, તેમના ફોનનંબર અને બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું તેમ છતાં શ્રીલંકાએ ભારતની આ ચેતવણી ધ્યાન પર નહીં લેતાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. ૧૧ એપ્રિલે જારી કરાયેલ એડ્વાઈઝરીમાં નિશાન બનાવવામાં આવનાર ચર્ચ અને ભારતીય હાઈકમિશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

You might also like