પાસની વિજાપુર ટુ ગાંધીનગર સ્વાભિમાન રેલી, નરેન્દ્ર પટેલની અટકાયત કરાઇ

મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામતની માંગને લઇને વિજાપુરથી ગાંધીનગર સુધી પાટીદાર સ્વાભિમાન યાત્રા આજે બપોરે 1 વાગે કાઢવામાં આવશે.. ત્યારે આ યાત્રામાં ભાગ લેવા માટે મહેસાણાથી નિકળેલા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની અટકાયત  કરવામાં આવી  છે. નરેન્દ્ર પટેલની પિલવાઇ ગામ પાસેથી પોલીસે અટકાયત કરી છે.

આ યાત્રામાં 20 હજારથી વધારે પાટીદારો જોડાવાના છે.  પાટીદાર સ્વાભિમાન યાત્રાના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવારે વિજાપુર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના ઉત્તર ગુજરાતના તમામ કન્વીનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં સ્વાભિમાન યાત્રામાં જોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્વાભિમાન યાત્રામાં અમદાવાદ અને ગાંધીનગરથી પણ મોટી સંખ્યામાં પાટીદારો જોડાય તેવી શક્યતા  છે. આ યાત્રાને લઈને જિલ્લા પોલીસને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર પોલીસને પણ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, પાટીદાર પદયાત્રાને હાઈકોર્ટના ડાયરેક્શન પછી પણ મંજૂરી આપાવમાં આવી નથી. ત્યારે પાસ લીગલ સેલના કન્વીર દર્શન પટેલે જણાવ્યું છે કે, મંજૂરી મળે કે ના મળે આજે પદયાત્રા તો નીકળશે જ. આજે 1 કલાકે ભાવસોર સ્વામિનારાયણ મંદિરથી પદયાત્રા નીકળશે. વિજાપુર પાસ કન્વીનર મનીષ પટેલે દાવો કર્યો છે કે, આ પદયાત્રામાં 20 હજાર લોકો જોડાશે.

You might also like