‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજૂ નહીં કરાય

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને રાજદ્રોહના ગુના હેઠળ પકડાયેલા હાર્દિક પટેલને આજે મુદત છતાં સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે. જયારે અન્ય ત્રણ આરોપીઓ દિનેશ પટેલ ચિરાગ અને કેતનને આજે સાબરમતી જેલમાંથી સેશન્સ કોર્ટમાં સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ રજૂ કરવામાં આવશે. કોર્ટ સંકુલમાં ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ,ચિરાગ પટેલ,કેતન પટેલ અને દિનેશની રાજદ્રોહ સહિતના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુરાવા એકત્ર કરીને ચારેય આરોપીઓ સામે મેટ્રો.કોર્ટમાં 18મી જાન્યુઆરીના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. હાર્દિક પટેલ સહિત ચાર આરોપીઓ સામે 8મી ફેબ્રુઆરીના રોજ કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો.

મેટ્રો પોલિટન કોર્ટમાંથી કેસના દસ્તાવેજો સેશન્સ કોર્ટમાં મોકલી આપીને ચારેય આરોપીઓને જૂની હાઈકોર્ટ ખાતે આવેલી સેશન્સ કોર્ટમાં 22મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો.બીજી તરફ હાર્દિક પટેલ સુરતની લાજપોર જેલમાં ઉપવાસ પર ઊતરી જતાં ફરી પાટીદારો આક્રમક બન્યા હતા.જેના લીધે હાર્દિક પટેલને આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે.જયારે ચિરાગ પટેલ,કેતન પટેલ સહિત ત્રણ આરોપીને સાબરમતી જેલમાંથી પોલીસ જાપ્તા સાથે જૂની હાઈકોર્ટમાં આવેલી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

You might also like