આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી. તેઓ કોઇ પણ વાતનો જવાબ હંમેશાં ગોળ-ગોળ આપે છે. જો તેમને તેમના સંબંધો અંગે પ્રશ્ન પૂછવામાં આવે તો તે વાતને પણ ટાળી દે છે. તાજેતરમાં એવી કેટલીક જોડીઓ ચર્ચામાં છે, જેમણે પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કરી નથી, પરંતુ સમયાંતરે એકસાથે દેખાતાં રહે છે. કેટલીક જોડીઓ જાહેરમાં જોવા મળતી નથી. તેઓ છુપાઇને મળી લે છે.

અરબાઝ ખાન-જ્યોર્જિયા એન્ડ્રિયાનીઃ
મલાઇકા અરોરા ખાન પરિવારના તમામ સમારંભનો હિસ્સો બનતી આવી છે, છતાં પણ તેના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન લવ લાઇફની બાબતે આગળ વધી ચૂક્યો છે. મોડલ અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની અંગે કહેવાય છે કે તે અરબાઝ ખાનની જિંદગીનો હિસ્સો બનશે. ખાન પરિવાર પણ તેને સ્વીકારી ચૂક્યો છે. અરબાઝ અને જ્યોર્જિયા ઘણી વાર મુંબઇમાં એકસાથે લંચ કરતાં જોવા મળે છે. અરબાઝની બહેન અર્પિતા ખાન શર્માના જન્મદિવસ કે ગણેશોત્સવ પર પણ જ્યોર્જિયા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત હતી. હવે અરબાઝ પોતાના રિલેશનને જાહેર ક્યારે કરે છે તે જોવાનું રહ્યું.

અર્જુન કપૂર-મલાઈકા અરોરાઃ
થોડા સમય પહેલાં લેકમે ફેશન વીકમાં એકસાથે જોવા મળેલાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા હંમેશાં પોતાની રિલેશનશિપ પર ચૂપ રહ્યાં છે. તેઓએ બંનેને એકબીજાના સારા મિત્રો ગણાવ્યા છે, પરંતુ તેમને એકસાથે જોનાર લોકોનું કહેવું છે કે આ સંબંધો મિત્રતા કરતાં કંઇક વધારે છે. બંને એકબીજાના હાથમાં હાથ નાખીને મુંબઇમાં ફરતાં જોવા મળે છે, જોકે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે વર્ષના અંત સુધીમાં આ બંને પોતાના સંબંધોને જાહેર કરી શકે છે.

ફરહાન અખ્તર-શિબાની દાંડેકરઃ
રિલેશનશિપમાં ચાલી રહેલી ગુપચુપ જોડીઓમાં ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનું નામ સૌથી નવું અને સરપ્રાઇઝિંગ છે. એવું કહેવાય છે કે બંને ૨૦૧૫થી એકબીજાને ઓળખે છે. આ સમયે શિબાનીએ ફરહાનની મિજબાનીવાળા એક શોમાં ભાગ લીધો હતો. ફિલ્મ ‘રોક ઓન’માં પોતાની કો-સ્ટાર શ્રદ્ધા કપૂર સાથે ફરહાનનું નામ ત્યારે જોડવામાં આવ્યું જ્યારે તેણે પત્ની અધુના બબાની સાથે ડિવોર્સ લીધા હતા. હવે ફરહાન પોતાની લવ લાઇફમાં આગળ ‍વધી ચૂક્યો છે. શિબાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેની તસવીરો દર્શાવે છે કે તેમના સંબંધો માત્ર મિત્રતાના નથી. હાલમાં આ બંને આ અંગે ચૂપ છે.

વરુણ ધવન-નતાશા દલાલઃ
વરુણ ધવને હજુ સુધી પોતાની ગર્લ ફ્રેન્ડ નતાશા દલાલ સાથે સંબંધોને લઇને જાહેરમાં કોઇ પણ વાતનો સ્વીકાર કર્યો નથી. બંનેના અસંખ્ય ફોટા ઓનલાઇન જોઇ શકાય છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે કંઇક છે. આજે વરુણ બોલિવૂડમાં બરાબર પગ જમાવી ચૂક્યો છે. અત્યાર સુધી તેણે ‘બદલાપુર’, ‘ઓક્ટોબર’, ‘સૂઇ ધાગા’ જેવી ફિલ્મો આપી છે. વરુણ પોતાની લવ લાઇફ અંગે ક્યારે જાહેરાત કરે તે જોવાનું રહ્યું. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આવતા વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાશે.

કેટલીક અન્ય રિલેશનશિપ પણ ચર્ચામાંઃ
અમિત સાધ અને એનાબેલ ડિસિલ્વા, હર્ષવર્ધન રાણે અને કીમ શર્મા, અર્જુન રામપાલ અને ગેબ્રિયેલા, વિકી કૌશલ અને હર્લિન શેટ્ટી. •

You might also like