ભાજપ-કોંગ્રેસ માટે સોમવારની રાત કતલની રાત સમાન બની

અમદાવાદ: આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોઈ આજની રાત ભાજપ અને કોંગ્રેસ નેતૃત્વ માટે ફરીથી કતલની રાત બની હતી.અમદાવાદ મનપાની ચૂંટણી અતિ રસાકસીભર્યા માહોલમાં યોજાઈ રહી છે. ભાજપને પુનઃ સત્તારૃઢ થઈને પોતાની પ્રતિષ્ઠાને અકબંધ રાખવી છે તો કોંગ્રેસને બદલાયેલા માહોલના કારણે દાયકા બાદ સત્તાના સૂત્રો મેળવવા સંજોગ સર્જાયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.આ સંજોગોમાં એક એક બેઠકની હારજીત ભાજપ અને કોંગ્રેસના સત્તાના સમીકરણોને ધરમૂળથી બદલી શકે તેમ છે.

જેના કારણે આ બંને રાજકીય પક્ષોમાંથી કોઈ પણ પક્ષ અતિ આત્મવિશ્વાસમાં રહેવા માંગતો નથી. ભાજપને માટે લઘુમતી સમાજનું વર્ચસ્વ ધરાવતા વોર્ડ કે વિસ્તારના અપક્ષ ઉમેદવારો કોંગ્રેસના મત તોડવા માટે મહત્ત્વપૂર્ણ બનવાના છે.ભાજપની ‘ડિવાઈડ એન્ડ રૃલ’ની રાજનીતિને વિફળ બનાવવા કોંગ્રેસ નેતૃત્વએ પક્ષના મતોનું સંભવિત વિભાગ અટકાવવા ભરપૂર પ્રયાસ હાથ ધર્યા છે. ક્યાં અપક્ષ ઉમેદવારો કોંગ્રેસના કેટલા મત બગાડી શકે છે તેનું ચિત્ર તૈયાર કરાઈને તેના વધારે આવા ઉમેદવારો બેસી જાય તે માટે સમજાવટના ચક્ર ગતિમાન કરાયા હતા.

આમ આજની રાત ભાજપ અને કોંગ્રેસ નેતૃત્વ માટે નવા પડકારરૃપ બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બંને રાજકીય પક્ષોએ અપક્ષ ઉમેદવારોને  સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર પ્રકારથી ‘હેન્ડલ’ કરવા લીધા છે. આ સામ, દામ, દંડ અને ભેદની નીતિ આવતીકાલે બપોરના ત્રણ સુધી ચાલશે.બીજા અર્થમાં હાલમાં ભારે રસાકસીભર્યા ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારનું મહત્ત્વ વધ્યું છે.

You might also like