આજે બેલ્જિયમ અને ઈંગ્લેન્ડ વચ્ચે સુખદ વિદાય માટે જંગ

સેન્ટ પીટ્સબર્ગઃ થોડા દિવસ પહેલાં વિશ્વવિજેતા બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી બે ટીમ – ઈંગ્લેન્ડ અને બેલ્જિયમ હવે ખિતાબની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. ૨૧મા ફિફા વિશ્વકપનો ખિતાબ જીતવાનું સપનું રોળાઈ ગયા બાદ હવે આ બંને ટીમ એકબીજા સામે આજે સાંજે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યે ત્રીજું સ્થાન હાંસલ કરવા અને ફિફા વિશ્વકપમાંથી સુખદ વિદાય લેવા માટે જંગે ચડશે.

બંને ટીમ માટે આ મેચમાં ઊંચા મનોબળ સાથે મેદાનમાં ઊતરવું આસાન નહીં હોય. વિશ્વકપની ફાઇનલમાં ન પહોંચવું બંને ટીમ માટે બેશક ખટકનારી વાત છે, પરંતુ હવે સમય છે, જ્યારે આ બંને ટીમ જૂનું દુઃખ ભૂલીને એક નવા અંતને અંજામ આપે અને ખુશી સાથે સ્વદેશ પાછી ફરે.

ફ્રાંસે બેલ્જિયમને રોમાંચક મુકાબલામાં માત આપીને ફાઇનલની રેસમાંથી બહાર કરી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ એક ગોલથી આગળ હોવા છતાં ક્રોએશિયા સામે ૧-૨થી હારી ગઈ હતી અને બીજી વાર ફાઇનલમાં પ્રવેશવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાઈ ગયું હતું. હવે આ બંને પાસે જો કંઈ મેળવવા માટે છે તો એ છે ત્રીજું સ્થાન. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રતિષ્ઠાના આ મુકાબલામાં બેલ્જિયમ અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

બેલ્જિયમ માટે સારી વાત એ છે કે પ્રથમ સેમિફાઇનલમાં બહાર બેસનારાે થોમસ મ્યુનિએર આજની મેચમાં વાપસી કરી રહ્યો છે અને તે ઈંગ્લેન્ડ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ફ્રાંસ સામે બેલ્જિયમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. પહેલા હાફમાં બેલ્જિયમે ફ્રાંસ કરતાં વધારે આક્રમણ કર્યું હતું અને તેના ડિફેન્સે પણ શાનદાર કામ કર્યું હતું, પરંતુ બીજા હાફમાં ગોલ ખાધા બાદ ટીમ મોટી મેચમાં દબાણમાં આવીને વિખેરાઈ ગઈ હતી. આજની મેચમાં બેલ્જિયમે પણ પોતે કરેલી ભૂલો ફરી વાર ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. સાથે જ લોમેલુ લૂકાકુએ આગળ આવીને ઈડન હેઝાર્ડનો સાથ આપવો પડશે.

બેલ્જિયમના ડિફેન્સ સામે ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન, જેસે લિંગાર્ડ અને રહીમ સ્ટર્લિંગને રોકવાનો પડકાર હશે. આ ત્રણેય ખેલાડી બીજી સેમિફાઇનલમાં બહુ અસરકારક સાબિત થયા નહોતા અને એ જ કારણે આજની મેચમાં પોતાની ભૂલોને સુધારવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે ત્યારે તેઓ ખતરનાક બની જશે. આ ત્રણેય ખેલાડીએ ક્રોએશિયા સામેની મેચમાં ગોલ કરવાની ઘણી તકો ગુમાવી હતી.

બદલો લેવાનો ઇરાદો
આ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ અને બેલ્જિયમની ટીમ એક જ ગ્રૂપમાં સામેલ હતી. હવે આને સંયોગ જ કહો કે વર્તમાન વિશ્વકપમાં ગ્રૂપ-જીમાંથી બેલ્જિયમ અને ઈંગ્લેન્ડના રૂપમાં બે ટીમ સેમિફાઇનલમાં પહોંચી,પરંતુ બંનેમાંથી કોઈ ફાઇનલ સુધી પહોંચી શકી નહીં.

૨૮ જૂને રમાયેલા મુકાબલામાં ઈંગ્લેન્ડને અદનાન જનુજાઝના ગોલની મદદથી બેલ્જિયમે ૧-૦થી હરાવીને ગ્રૂપમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જોકે એ મેચમાં બંને ટીમે પોતપોતાની બેંચ સ્ટ્રેન્થને અજમાવી હતી અને મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને આરામ આપ્યો હતો.

ગોલ્ડન બૂટની રેસ
વર્તમાન વિશ્વકપમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન ગોલ્ડ બૂટની રેસમાંથી સૌથી આગળ છે. તેણે અત્યાર સુધીમાં સૌથી વધુ છ ગોલ કર્યા છે, જેમાંના ત્રણ ગોલ તેણે પેનલ્ટી દ્વારા કર્યા છે. જ્યારે બેલ્જિયમનાે સ્ટ્રાઇકર રોમેલુ લુકાકુ પણ ચાર ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં છે. જોકે આ બંને ખેલાડી સેમિફાઇનલમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આજની મેચમાં આ બંને પાસે ગોલ્ડન બૂટ માટે પોતાનું સ્થાન મજબૂત કરવાની તક છે.

You might also like