આજે છે સૌરાષ્ટ્રના ‘પેરીસ’નો ૪૭૭મો હેપ્પી બર્થ ડે

જામનગર: આજે જામનગરનો ૪૭૭મો સ્થાપના દિવસ છે. જામ રાવળજીએ નવાનગરની સ્થાપના કરી હતી, અને એક સમયે સૌરાષ્ટ્રનું પેરીસ કહેવાતું એવું આ છોટીકાશી શહેરને આજે ૪૭૬ વર્ષ પૂર્ણ થઇને ૪૭૭ વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.ત્યારે શું છે જામનગર તેની એક ઝાંખી જોઈએ.

જામનગર નામ પડે એટલે જુના અને જાણકારો માણસો તરત જ બોલી ઉઠે કે એક સમયનું સૌરાષ્ટ્ર નું પેરીસ. કદાચ નવાઈ લાગશે પણ જામનગર શહેરનો એક સમયે એવો દબદબો હતો જે સૌરાષ્ટ્ર ના અન્ય કોઈ પણ શહેરનો નહિ હોય અને તેથી જ કદાચ જામનગરને એક સમયે સૌરાષ્ટ્રનું પેરીસ કહેવામાં આવતું હતું. જામનગરની ચકાચાંદ કંઈક અનેરી જ હતી. જામનગરના રાજવીઓએ શહેરની પ્રજા માટે લોકઉપયોગી એટલા કર્યો છે જેનું ઋણ કદાચ ક્યારેય પણ ના ચૂકવી શકાય તેટલું છે.

રાજાશાહીના સમયે બનેલા અને શહેરની મધ્યે આવેલી કેટલીય એવી પૌરાણિક ઈમારતો આજે પણ અડીખમ છે જે રાજાશાહીના સમયની યાદોને તાજી કરી આપે તેવી છે. જેમાં શહેરની શાન સમું લાખોટા તળાવ, લાખોટા મ્યુઝીયમ, ભુજીયો કોઠો, માંડવી ટાવર, પંચેસ્વર ટાવર, ખંભાળિયા ગેટ વગેરેની કલાકૃતિ બેનમુન છે.

આ બધી જ ઐતિહાસિક ઈમારતો એવી છે જેમાં ભવ્ય ભૂતકાળ કંડારાયેલો છે. જેમાં જો ભુજીયા કોઠાની વાત કરીએ તો આ ભુજીયો કોઠાનો ઉપયોગ રાજાશાહીના સમયમાં ભુજની સરહદેથી આવતા દુશ્મનો પર નજર રાખવા માટે કરવામાં આવતો અને એવું કહેવાતું હતું કે આ કોઠામાંથી જ સીધો ભુજ જવાનો રસ્તો પણ હતો,પરંતુ ભૂકંપને કારણે આ કોઠો એકદમ જર્જરિત હાલતમાં છે માટે તેને પ્રવાસીઓ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

એ જ રીતે જામનગર શહેરને પાણી પૂરું પાડતું લાખોટા તળાવ પણ શહેરની મધ્યે આવેલું છે. જે પાણી પૂરું પડવાની સાથે શહેરની શોભામાં પણ વધારો કરે છે. ઇસ.૧૮૯૦માં જ્યારે કારમો દુષ્કાળ પડ્યો હતો તે સમયે લોકોને રોજીરોટી મળી રહે તે માટે તે સમયના રજાઓએ આ લાખોટા તળાવ અને મ્યુઝિયમનું નિર્માણ કાર્ય હાથ ધરાવ્યું હતું. જે આજે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે.

આવી તો રાજાશાહીની દેન એવા જામનગરની કેટકેટલીય વિશેષતાઓ છે. જેના લઈને જામનગર વિશ્વફલક પર પણ પહોચ્યું છે. તેવા રંગીલા જામનગરનો આજે ૪૭૭ મો સ્થાપના દિવસ છે જેને રાજવી પરિવાર અને મનપા દ્વારા રંગેચંગે માનવામાં આવશે.

You might also like