આજથી કાનપુરમાં ગંગા કિનારે સંઘની મહત્ત્વની બેઠક શરૂ

કાનપુર: આજથી આરએસએસના પ્રાંત પ્રચારકોની વાર્ષિક બેઠક કાનપુરમાં યોજાઇ રહી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પૂર્વે સંઘની આ બેઠકને ઘણી જ અહમ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. છેલ્લાં બે વર્ષથી સંઘમાંથી રજા પર ચાલ્યા ગયેલા સર કાર્યવાહ સુરેશ સોનીનો વનવાસ હવે ખતમ થશે અને તેઓ ફરીથી સંઘમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા પરત આવી રહ્યા છે.
મોદી સરકાર બન્યા બાદ સુરેશ સોનીએ સંઘમાંથી રજા લીધી હતી, પરંતુ સર કાર્યવાહના હોદ્દા પર ચાલુ રહ્યા હતા અને હવે ફરીથી તેમને મહત્ત્વની જવાબદારી સોંપાશે.

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને મળવા માટે ઓલ ઇન્ડિયા સુન્ની ઉલેમા કાઉન્સિલે સમય માગ્યો છે. ઓલ ઇન્ડિયા સુન્ની ઉલેમા કાઉન્સિલના સભ્યોએ આરએસએસના બેઠક સ્થળ પર પહોંચીને ભાગવતજીને મળવા માટે સમય આપવા એક પત્ર પણ સંઘના કાર્યકરોને સુપરત કર્યો છે. આ પત્રના માધ્યમ દ્વારા કાઉન્સિલે આરએસએસને છ મહત્ત્વના સવાલ પૂછ્યા છે, જેમાં એક મહત્ત્વનો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે તમે મુસ્લિમો પાસે કેવા રાષ્ટ્રપ્રેમની અપેક્ષા રાખો છો અને શું સંઘ દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે? ગંગા કિનારે આ શિબિરમાં પ્રાંત પ્રચારકોની છ દિવસ સુધી તાલીમ શિબિર ચાલશે.

You might also like