આજે ફૂટબોલર રુની ઈંગ્લેન્ડ તરફથી રમશે ‘વિદાય’ મેચ

728_90

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વેઇન રુની આજે અમેરિકા સામે ફ્રેન્ડલી મેચમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વાપસી કરશે, જોકે તે રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ફૂટબોલ સંઘે રુનીના સન્માનમાં આ વિદાય મેચનું આયોજન કર્યું. આ મેચની ૨૦,૦૦૦થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે. રુની ઈંગ્લેન્ડનો સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી છે. તે ૧૧૯ મેચમાં ૫૩ ગોલ કરી ચૂક્યો છે.

આ ચેરિટી મેચથી થનારી આવકનો ગરીબ બાળકોના જીવનમાં સુધારો કરવા માટે ઉપયોગ કરાશે, જેની જવાબદારી વેઇન રુની ફાઉન્ડેશન સંભાળી રહી છે. ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના કોચ ગેરેથ સાઉથગેટે પોતાની ટીમમાં રુનીને સ્થાન આપ્યું છે. રુનીએ કહ્યું, ”આ મારા માટે બહુ મોટું સન્માન છે. આ ટીમમાં સામેલ થયા બાદ મને મારા જૂના સાથી ખેલાડીઓને મળવાની તક મળશે. પ્રશંસકોની સામે ફરી એક વાર ઈંગ્લેન્ડની જરસીમાં રમવું શાનદાર રહેશે. તે ઈંગ્લેન્ડ તરફથી ૧૨૦મી કેપ પહેરશે.

જોનાથન ક્લિન્સમેનને USની ટીમમાં સામેલ કરાયોઃ અમેરિકાના ભૂતપૂર્વ કોચ જુએર્ગન ક્લિન્સમેનના પુત્ર જોનાથન ક્લિન્સમેનને ઈંગ્લેન્ડ અને ઇટાલી સામેની ફ્રેન્ડલી મેચ માટે અમેરિકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ૨૧ વર્ષીય જોનાથનને રાષ્ટ્રીય ટીમ તરફથી પદાર્પણ કરવાની તક મળી શકે છે. જોનાથન આ પહેલાં અંડર-૨૦ ફૂટબોલ વિશ્વકપ-૨૦૧૭માં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. અમેરિકા આજે ઈંગ્લેન્ડ સામે લંડનમાં, જ્યારે ૨૦ નવેમ્બરે બેલ્જિયમના ગેન્ક ખાતે ઈટાલી સામે ટકરાશે.

You might also like
728_90