આજે ધનતેરસઃ બુલિયન બજારમાં રોનકઃ ગોલ્ડ બોન્ડની પણ શરૂઆત

નવી દિલ્હી: દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ધામધૂમપૂર્વક ઊજવવામાં આવી રહ્યો છે અને બજારમાં ધનતેરસની રોનક જોવા મળી રહી છે. આજે ધનતેરસ પ્રસંગે બજારમાં ખાસ કરીને સોના-ચાંદીના બજારમાં સુંદર રીતે સુશોભન કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધનતેરસ પર દેશવાસીઓને શુભકામના આપતાં ટ્વિટર પર લખ્યું છે કે ધનતેરસના પવિત્ર પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ભગવાન ધન્વંતરિ આપણા સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે. તેમણે આજે ધનતેરસ નિમિત્તે દેશવાસીઓને સ્વદેશી સામાન ખરીદવા અપલી કરી છે.

૨૦૧૮ની ધનતેરસમાં આજે લક્ષ્મી-ગણેશના સોના-ચાંદીના સિક્કા ઉપરાંત હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળા સોના-ચાંદીના બિસ્કિટ મળી રહ્યાં છે. એક જ્વેલરે જણાવ્યું હતું કે તેનું વજન ૧૦ ગ્રામથી લઇને એક કિલો સુધીનું છે.

નરેન્દ્ર મોદીની તસવીરવાળા સોના-ચાંદીના સિક્કા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરમિયાન ધનતેરસની પૂર્વે સોનાની ડિમાન્ડ બજારમાં વધતાં સોનું છ વર્ષની સર્વોચ્ચ સપાટી રૂ. ૩૨,૭૮૦ને પાર કરી ગયું હતું. ત્યાર બાદ પ્રતિ ૧૦ ગ્રામ સોનું ૩૨,૬૫૦ની સપાટીએ બંધ રહ્યું હતું. જોકે આજે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૪ના ઘટાડા સાથે ૩૧,૭૫૮ પર ટ્રેડ કરી રહ્યું છે.

આજે ધનતેરસ પ્રસંગે દેશવાસીઓ ગોલ્ડ બોન્ડમાં પણ રોકાણ કરી શકશે. આજે ગોલ્ડ બોન્ડનો ત્રીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે, જે ૯ નવેમ્બર સુધી ચાલુ રહેશે. તેની ઇશ્યૂ પ્રાઇસ પ્રતિગ્રામ રૂ. ૩,૧૮૩ નિર્ધારિત કરાઇ છે.

તેમાં ઓનલાઇન રોકાણ કરવાથી પ્રતિ યુનિટ રૂ. ૫૦નું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે ઓનલાઇન રોકાણ કરશો તો પ્રતિગ્રામ તમને સોનું રૂ. ૩,૧૩૩માં પડશે. વાયદામાં આજે સોનું રૂ. ૩૧,૮૦૦ અને હાજરમાં રૂ. ૩૨,૦૦૦ ઉપર છે.

You might also like