આજે ભાજપ લોકસભા માટે 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

(એજન્સી) નવી દિલ્હી: ભાજપ આજે લોકસભાની ચૂંટણી માટે ૧પ૦ ઉમેદવારનાં નામની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર અાજે દિલ્હી સ્થિત ભાજપના વડામથક પર પક્ષની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાનાર છે અને આ બેઠક બાદ ૧પ૦ ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.

દરમિયાન કોંગ્રેસે વધુ ૧૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ ત્રીજી યાદીમાં કોંગ્રેસે આસામની પ, મેઘાલયની ર, નાગાલેન્ડ અને સિક્કિમની ૧-૧, તેલંગાણાની ૮ અને યુપીની ૧ બેઠક પરના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં બારાબંકી લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ પી.એલ.પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ટિકિટ આપવામાં આવી છે. આસામના કરીમગંજની બેઠક માટે સ્વરૂપદાસ, સિલ્ચરથી સુસ્મિતા દેવ, કલિયાબોરથી કોંગ્રેસ નેતા તરુણ ગોગોઇના પુત્ર ગૌરવ ગોગોઇને ટિકિટ આપવામાં આવી છે.

અહેવાલો અનુસાર બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. ૧૧ એપ્રિલના રોજ ૯૧ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ૪ર બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામની કેટલીક બેઠકો પર પણ મતદાન યોજાનાર છે.

અટકળો અનુસાર ભાજપ પોતાના કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ અલગ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનંુ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપીએ લોકસભાની બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે.

You might also like