શહેરના મેયર, ડે. મેયર સહિત તમામ હોદ્દેદારોની આજે સત્તાવાર જાહેરાત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વર્ષ ૨૦૧૫ની ચૂંટણી બાદ આવતીકાલ સોમવાર તા. ૧૪મીએ સાંજે ૪ વાગે સૌ પ્રથમ સામાન્ય સભા મેયર મીનાક્ષીબહેન પટેલના અધ્યક્ષસ્થાને પ્રારંભ થશે. જેમાં નવા મેયર-ડેપ્યૂટી મેયરની ચૂંટણી યોજાયા બાદ નવા મેયર ગૌત્તમભાઈ શાહ ચૂંટાઈ આવશે અને ડેપ્યૂટી મેયર પણ ચૂંટાઈ આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પણ ઔપચારિક રીતે પોતાના ઉમેદવારો મુકશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.

દરમ્યાનમાં નવા મેયર ગૌતમભાઈ શાહના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યો અને ટ્રાન્સપોર્ટ (એએમટીએસ)ના આઠ સભ્યોની નિમણૂક કરવામાં આવશે. આજે પ્રથમવાર મ્યુનિ. ભાજપના નેતા એએમટીએસના ચેરમેનની જાહેરાત પણ કરવામાં આવશે. કોર્પોરેશનમાં વિધાનસભાની જેમ નવા દંડકનો પણ હોદ્દો પણ ઊભો કરીને તેમાં નિમણૂક કરવામાં આવશે.

આજે બપોરે ૩ વાગે ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય ખાતે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ મિટિંગ મળશે જેમાં ભાજપના નેતા આઈ. કે. જાડેજા અને શહેર ભાજપના પ્રમુખ રાકેશ શાહ કોર્પોરેટરોને સંબોધન કરશે અને બંધ કવરમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં નામોની જાહેરાત માટેનો ‘વ્હીપ’ નામોને જાહેર કરશે.

એ વ્હીપ સાથે કોર્પોરેટરો ભાજપના ખાનપુર કાર્યાલયથી મ્યુનિ. કોર્પોરેશન ખાતે રેલીના રૂપમાં જશે અને સાંજે ૪ વાગે યોજાયેલી મ્યુનિ. બોર્ડની બેઠકમાં હાજરી આપવા આવશે. ભાજપમાંની જૂથબંધી અને ભારે લોબિંગને ખાળવા ભાજપે હવે મેયર – ડેપ્યુટી મેયરની ચૂંટણી બાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના બેઠક હોલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં કમિટીના ચેરમેન પ્રવિણભાઈની વરણી કરાશે.

You might also like