આજની અભિનેત્રીઓ નકારાત્મકતાથી ભરેલી છેઃ કંગના

વર્ષ 2006માં આવેલી પહેલી ફિલ્મમાં ફીમેલ ડેબ્યૂનો એવોર્ડ જીતનાર કંગના રાણાવતે 2008માં ફિલ્મ ‘ફેશન’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતીને સાબિત કરી દીધું કે તે સુંદર હોવાની સાથે પ્રતિભાસંપન્ન પણ છે. ત્યાર બાદ ‘તનુ વેડ્સ મનુ’સિરીઝ અને ‘ક્વીન’ જેવી ફિલ્મોથી તે સફળતાના શિખરે પણ પહોંચી ગઇ. એક શોર્ટ ફિલ્મ ‘ધ ટચ’નું નિર્માણ અને નિર્દેશન કરીને તેણે પોતાની પ્રતિભાનાં અજાણ્યાં પાસાંઓને પણ લોકો સમક્ષ રાખી દીધાં. તાજેતરમાં કંગના રાણાવતને હાઇ એસ્ટ પેઇડ એકટ્રેસનો ટેગ મળ્યો. તે કહે છે કે આનો અર્થ મારા માટે પૈસા કરતાં વધુ છે. મારા માટે મહત્વ એ વાતનું છે કે મને જે મળે છે તે હું ડિઝર્વ કરું છું. કોઇ પુરુષની જેમ મારા કામ અને સમયનું વળતર મને કેમ ન મળે. હું મહિલા છું તેનો અર્થ એ તો નથી ને કે હું દિવસના 24 કલાક કરતાં વધુ કામ કરું. વર્ષના 365 દિવસ કરતાં વધુ કામ કરું. હું કોઇ પણ પુરુષને ચેલેન્જ કરું છું કે તે મારા જેટલો સખત પરિશ્રમ કરીને બતાવે.
કંગના નેગેટિવ વાતોને ગણકારતી નથી. તે કહે છે આજે હું જ્યાં છું ત્યાં એટલે છું, કેમ કે હું દરેક જગ્યાએ સકારાત્મક પહેલુઓને જોઉં છું. જો મેં આમ ન કર્યું હોત તો હું વર્ષો પહેલાં તૂટી ગઇ હોત. શરૂઆતનાં વર્ષોમાં મારી સામે ન્યુ કમર્સ આવ્યા અને તેમને તરત સફળતા મળી ગઇ. મેં તેમની પાસેથી પ્રેરણા લીધી. આજની અભિનેત્રીઓ મારામાંથી પ્રેરણા લઇ રહી નથી. તેઓ નકારાત્મકતાથી ભરેલી છે એ વાત મને દુખ પહોંચાડે છે.

You might also like