રાજકોટઃ પવિત્રતા સાબિત કરવા સગીરાની અગ્નિપરીક્ષા, ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા….

એક સત્યુગના જમાનામાં સીતાએ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતા. જો કે આ યુગમાં રામ જેવા સંસ્કાર તો બચ્યા નથી પણ સીતાની જેમ અગ્નિપરીક્ષા આપવા માટે નારીજાતી જાણે બંધાયેલી હોય તેમ લાગી રહ્યુ છે. સત્યુગ બાદ બે યુગ વિતી ગયા છતા આજે  પણ અગ્નિપરીક્ષા જેવી ઘટના કેટલીકવાર જોવા મળતી હોય છે.

આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જ્યા એક સગીર વયની દીકરીએ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી છે. પીડિતાના કહ્યા પ્રમાણે, જ્યારે તે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ તેના ઘરે આવીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતે પીડિતાએ જ્યારે તેના પરિવારજનોને જાણ કરી, ત્યારે તેના પરિવારે પણ તેની પવિત્રતા પર સવાલ ઉઠાવ્યા. જ્યારે આ મામલે આરોપીની પત્નીને જાણ કરવામાં આવી ત્યારે તેણે પણ આ સગીરા પર જ આંગળી ચીંધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીની પત્નીએ તેલ ગરમ કર્યુ અને પીડિતાને તેમાં હાથ નાખવાનું કહ્યુ,જો કે સગીરા ન માનતા આરોપીની પત્નીએ પીડિતાના હાથ ખેંચીને ઉકળતા તેલમાં નાખી દિધા. જેથી સગીરાનો હાથ કાંડા સુધી ગંભીર રીતે દાઝી ગયો હતો.

આ સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જ્યારે આરોપીની પત્ની ફરાર થઈ ગઈ છે. અગ્નિપરીક્ષાના આ ચકચારીભર્યા કેસમાં આરોપીની ધરપકડ બાદ પોલીસે પોતાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like