મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરો તો કાંકરિયા સુધી ફ્રી બસ સર્વિસ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશના કાંકરિયા ખાતેના મલ્ટિલેવલ પાર્કિંગમાં નાગરિકો પોતાનાં વાહન પાર્ક કરવાનું પસંદ કરતા નથી. તંત્રના પહેલાં મલ્ટિલેવલ પાર્કિંગ ગણાતાં કાંકરિયાનાં સફળ સંચાલનમાં અત્યાર સુધી અધિકારીઓને નિષ્ફળતા સાંપડી છે.

જેના કારણે આગામી દિવસોમાં કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં જ વાહન પાર્ક કરનારને ત્યાં જ કાંકરિયા લેક ફ્રન્ટની એન્ટ્રી ટિકિટ આપીને તેમને મિની બસમાં બેસાડીને કાંકરિયા લેકફ્રન્ટ લઇ જવાની દિશામાં ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.

મ્યુનિ. તંત્ર દ્વારા શહેરભરમાંથી રોડ પરનાં દબાણ દૂર કરાઇ રહ્યાં છે બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર વાહન પાર્ક કરનાર સામે દંડાત્મક પગલાં લેવાઇ રહ્યાં છે. જોકે આ અભિયાનને લોકોની પ્રશંસા મળી હોઇ સત્તાવાળાઓએ લોકોને પાર્કિંગ માટે વધુને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં ક્વાયત આરંભી છે.

સીજી રોડ પર પહેલીવાર કલાકના દરે પાર્કિંગના ચાર્જ લેવાઇ રહ્યા હોઇ તેમાં નાગરિકોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત એસજી હાઇવે પર રપ૦૦ વાહનનાે પાર્કિંગ પ્લોટ બનશે.

તેમજ શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન હળવો કરવા પે એન્ડ પાર્ક ઊભા થઇ રહ્યા છે. અગાઉના રપ પે એન્ડ પાર્કમાં કુલ ૧૩,૮૧૭ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. જ્યારે નવા ૪૮ પે એન્ડ પાર્કમાં ર૦,૯૮૪ ટુ વ્હીલર અને ૩,ર૭૧ ફોર વ્હીલર મળીને કુલ ર૪,રપપ વાહન પાર્ક કરી શકાશે.

હવે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં વધુને વધુ લોકો વાહન પાર્ક કરે તે માટેના પ્રયાસ શરૂ કરાયા છે. પ્રારંભમાં તો આવતી તા.૧૩ ઓગસ્ટથી એક મહિના સુધી અહીંયા ફ્રી પાર્કિંગની સુવિધા અપાશે, પરંતુ રૂ.ર૩ કરોડના ખર્ચે ઊભા કરાયેલા કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગનાં સંચાલન માટે વપરાતી વીજળી જેટલો ખર્ચ પણ તંત્ર કાઢી શકતું નથી.

છેલ્લા એક મહિનાથી આ પાર્કિંગ ધૂળ ખાતું પડ્યું હતું. જૂના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હવે રહી રહીને સત્તાધીશોએ નવા ટેન્ડર પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને આ પાર્કિંગ તરફ આકર્ષવા કાંકરિયા લેકફ્રન્ટની ટિકિટ અહીંથી મેળવીને ત્યાર પછી મિની બસમાં બેસીને કાંકરિયા જઇ શકે તેવું આયોજન વિચારણા હેઠળ લેવાયું છે.

કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની આસપાસ ઝુલેલાલ ઓપનએર થિયેટર ફ્રી પાર્કિંગ, ફૂટબોલ ગ્રાઉન્ડ ફ્રી પાર્કિંગ, ગેટ નંબર બે પાસે ફ્રી પાર્કિંગ ધમધમતાં હોઇ લોકો મહંદશે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરવાનું ટાળે છે. દેડકી ગાર્ડન સહિત બે પે એન્ડ પાર્ક છે.

એટલે તંત્ર દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડને ફેન્સિંગ કે કમ્પાઉન્ડ વોલથી કવર કરી દેવાનો નિર્ણય લેવાયો છે. હવે પછી આ ગ્રાઉન્ડ ફક્ત ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાશે. જ્યારે કાંકરિયા મલ્ટિલેવલમાં નાગરિકોને આકર્ષવા આવું આયોજન વિચારણા હેઠળ છે.

કાંકરિયા લેક ફ્રન્ટના સાત ગેટ પરથી રૂ.દશની એન્ટ્રી ફી ચૂકવીને સહેલાણી અંદર પ્રવેશતા હોય છે. દરરોજના ૧૦થી ૧ર હજાર સહેલાણી અને વીક એન્ડમાં ર૦થી રપ હજાર સહેલાણી કાંકરિયા લેકફ્રન્ટમાં ઊમટતાં હોઇ તંત્રને મહિને રૂ.ચાર લાખની આવક થાય છે.

કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં આઠમી ટિકિટ વિન્ડો ખોલ્યા બાદ સહેલાણીને તેની સામે આવેલી વ્યાયામ શાળાના ગેટ નંબર ત્રણથી પ્રવેશ આપવાની દિશામાં ખુદ કમિશનર વિજય નહેરાએ ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. દરમિયાન, પ્રહ્લાદનગર, સિંધુભવન રોડ સહિતના નવાં પાંચ મલ્ટિલેવલ પાર્કિંગની ડિઝાઇન બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

You might also like