આવકવેરા મુક્તિ મેળવવા હવે ઓનલાઈન કરવી પડશે અરજી

નવી દિલ્હી: આવકવેરામાં મુક્તિ માટે હવે ઓનલાઇન અરજી કરી શકાશે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે ઇન્કમટેક્સ વિભાગે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જોકે આ પ્રસ્તાવ હાલ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, પરમાર્થ અને ધાર્મિક ટ્રસ્ટો માટે તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રકારની સંસ્થાઓએ કરમુક્તિનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે.

આ પ્રસ્તાવ દ્વારા આ પ્રકારની સંસ્થાઓને તાત્કાલિક કર રાહત આપવાની યોજના છે. આ માટે જરૂરી નિયમોમાં પણ સુધારા કરવામાં આવશે. સીબીડીટીએ જણાવ્યું છે કે આ પ્રકારની અરજીઓને હવે મેન્યુઅલ સ્વરૂપમાં આપવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવશે અને તેના સ્થાને ઓનલાઇન અરજી કરવી પડશે.

આ પ્રકારની અરજી સાથે રજિસ્ટર્ડ કંપનીએ રજિસ્ટ્રેશનની સ્વપ્રમાણિત એક નકલ પણ આપવી પડશે અને સાથે સાથે ખાતાવહીની પણ એક નકલ આપવી પડશે, જોકે આ અંગેના નિયમોમાં સુધારા કરતા પહેલા આ પ્રસ્તાવને લઇને સંબંધિત પક્ષકારો પાસેથી ૧૨ નવેમ્બર સુધીમાં અભિપ્રાય માગવામાં આવ્યા છે અને ૧૨ નવેમ્બર બાદ આ નિયમોનો અમલ કરવા વિચારણા કરવામાં આવશે.

સીબીડીટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે જે રીતે કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે તેને અનુસારીને હવે ઇન્કમટેક્સ વિભાગે પણ નક્કી કર્યું છે કે આ પ્રકારની અરજીઓનો ઓનલાઇન અમલ કરાય અને મેન્યુઅલ સ્વરૂપે અરજી આપવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે.

You might also like