પત્નીનો કાંટો કાઢવા માટે વેપારીએ પ્રેમિકા સાથે મળીને સોપારી આપી

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં ત્રણ મહિના પહેલાં એક પરિણીત મહિલાના ગળા પર છરીના ધા ઝીંકીને હત્યા કરવાની કોશિશની ચકચારી ઘટનાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં મહિલાના પતિ, પ્રેમિકા અને કોન્ટ્રાક્ટ કિલરની ઘરપકડ કરી છે.

પ્રેમિકા સાથે જીવન વિતાવવા માટે પત્નીનો કાંટો કાઢી નાખવા માટેનો પતિએ પ્લાન બનાવ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટ કિલરને હત્યા કરવા માટેની સોપારી આપી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ મહિનાની મહેનત બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ઇસનપુર વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષીય ભાવના અમિતભાઇ ઠાકોરે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ હત્યાની કોશિશની ફરિયાદ કરી હતી. ભાવનાબહેન અને તેમનો પતિ અમિત ઠાકોર રવિવારની રજા હોવાથી ફિલ્મ જોવા ગયાં હતાં અને ફિલ્મ જોયા બાદ બન્ને જણા તેમનાં બાળકો માટે પિઝા લેવા માટે મણિનગર વિસ્તારમાં એક લારી પાસે ઊભા રહ્યાં હતાં. પિઝા લેવા માટે અમિત ઠાકોર કારમાંથી નીચે ઊતર્યા હતા ત્યારે અજાણ્યો શખ્સે ભાવનાના ગળામાં છરીનો ઘા ઝીંકીને નાસી ગયો હતો.

ભાવનાના ગળામાં લોહી નીકળતાં અમિત તરત જ તેને હોસ્પિટલ લઇ ગયો હતો. મણિનગર પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. મણિનગર પોલીસે લૂંટના ઇરાદે આ હુમલો કરવામાં આવ્યો છે. તે થિયરી પર તપાસ કરતી હતી. જોકે પોલીસને તેના પતિ ઉપર પણ શંકા ગઇ હતી.

મણિનગર પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાંચે પણ આ રહસ્યમય હુમલામાં ઝંપલાવ્યું હતું અને દરેક દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્ટીલની વેપાર કરતા અમિત ઠાકોરને દક્ષા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે.

ક્રાઇમ બ્રાંચે લૂંટ થઇ હોવાની દિશામાં તપાસ છોડીને અમિત ઠાકોર વિરુદ્ધમાં તપાસ શરૂ કરી હતી. તપાસ કરતાં ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું હતું કે અમિત અને દક્ષા વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બન્ને જણાં એક થવા માંગતા હતાં. જેથી ભાવનાનો કાંટો કાઢવો જરૂરી હતો.

ક્રાઇમ બ્રાંચે અમિત અને દક્ષાની પૂછપરછ કરી તેમાં તેઓ ભાંગી પડ્યાં હતાં અને પોતાની કબૂલાત કરી હતી કે ભાવનાની હત્યા કરવા માટે રાજસ્થાનના દેશરાજ નામના યુવકને સોપારી આપી હતી.

દેશરાજને દસ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને ભાવનાની હત્યા કરી નાખ્યા બાદ ઘણા રૂપિયા આપવા માટેની વાત કરી હતી. દેશરાજે ભાવનાની હત્યા કરવા માટે બે વખત કોશિશ કરી હતી. જોકે તે નાકામિયાબ રહ્યો હતો ત્યારે રવિવારે તેની હત્યા કરવા માટે અમિતે પ્લાન બનાવ્યો.

જેમાં દક્ષા અને દેશરાજ સામેલ હતાં. અમિત ભાવનાને મૂવી જોવા લઇ ગયો અને ત્યાર બાદ તે પિઝા લેવા માટે ઊભો રહેવાનો છે. તેની જાણ દેશરાજને કરી હતી. પિઝા લેવા માટે અમિત કારથી ઊતરે ત્યારે દેશરાજે ભાવના પર હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે કોન્ટ્રાક્ટ કિલર, અમિત અને દક્ષાની ધરપકડ કરી છે.

You might also like