ડોકલામમાં ભારતીય સેના ‘નો વોર, નો પીસ’ જેવી સેન્ડ‌િવચ સ્થિતિમાં

બીજિંગઃ ચીને આજે ૩૦ દિવસમાં આઠમી વખત ભારતને ધમકી આપતાં જણાવ્યું છે કે મોડું થઇ જાય તે પહેલાં ભારત ડોકલામમાંથી પોતાનું સૈન્ય હટાવી લે. ચીનના સરકારી અખબાર ચાઇના ડેઇલીએ એક આર્ટિકલમાં ફરીથી આવી ધમકી આપી છે. ચીનની આ નવી ધમકીને યુદ્ધના ઇશારા તરીકે જોવામાં આવી રહી છે. ડોકલામ ટ્રાઇ જંક્શન એરિયામાં ભારત અને ચીનના સૈનિકો એક મહિનાથી આમનેસામને આવી ગયા છે.

ડોકલામ વિવાદ પર એક બાજુ ચીન તરફથી ધમકીઓ આપવામાં આવી રહી છે તો બીજી બાજુ ભારતનાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેના ડોકલામમાં ચીનની સેના વિરુદ્ધ ‘નો વોર, નો પીસ’ જેવી સેન્ડ‌િવચ સ્થિતિમાં છે એટલે કે ભારત યુદ્ધ પણ કરી શકે તેમ નથી અને શાંતિ માટે પણ સેના હટાવી શકે તેમ નથી. તેમના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં સૈનિકો અને શસ્ત્રોની અવરજવર થઇ રહી નથી અને ચીનના દાવા મુજબ ભારતના પ૩ સૈનિકો ડોકલામમાં હાજર છે.

જ્યારે ચીનની હાજરી ઝડપથી ડોકલામમાં વધી રહી છે. અહેવાલો અનુસાર ડોલમ પઠારથી લગભગ એક કિ.મી. દૂરના અંતરે ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકોએ ૯૦ તંબુઓ તાણી લીધા છેે. એક અંગ્રેજી દૈનિકના અહેવાલ અનુસાર આ તંબુઓમાં ૮૦૦ જેટલા ચીની સૈનિકો હોવાનો અંદાજ છે.

જોકે ચીન ભલે એ દાવો કરતું હોય કે ભારતના પ૩ સૈનિકો ડોકલામમાં છે. વાસ્તવમાં ભારતીય સૈનિકોની સંખ્યા ૩પ૦ જેટલી જે ૩૦ તંબુઓમાં રહે છે. બીજી બાજુ ચીનના વરિષ્ઠ અધિકારીઓએ પોતાના સૈનિકોની હાજરી અંગે કોઇ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. ચીનના ૩૩ કોર યુનિટ સિક્કિમ-ચીન સરહદ પાસે તહેનાત છે. ભારતીય સેનાએ પોતાનો એડ્વાન્સ ઓપરેશન એલર્ટ પ્રોગ્રામ પણ આગળ વધાર્યો છે.

http://sambhaavnews.com/

You might also like