કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ કેસ અંગે પોતાનો પક્ષ વેબસાઈટ પર રજૂ કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસે પોતાની વેબસાઈટ પર નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોના જવાબો જારી કર્યા છે. આ સવાલ-જવાબ દ્વારા એવું જણાવાયું છે કે આ કેસમાં કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયન કંપની તરફથી કોઈ લાભ મળ્યો નથી. સાથે જ કોંગ્રેસે એ દાવાને સંપૂર્ણ પણે ખોટો જણાવીને ફગાવી દીધો છે કે એસોસિયેટ જર્નલ્સ લિમિટેડની નાણાકીય કટોકટીને લઈને રચવામાં આવેલી યંગ ઈન્ડિયન કંપની રિયલ એસ્ટેટ કંપની છે.

એવું પણ જણાવાયું છે કે યંગ ઈન્ડિયન અને એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) બંને અલગ અલગ કંપનીઓ છે. એજેએલની તમામ સંપત્તિ હજુ પણ એજેએલ પાસે છે. એક પણ પૈસો યંગ ઈન્ડિયનને, તેના ડાયરેક્ટરોને કે તેના શેરહોલ્ડરોને આપવામાં આવ્યો નથી. યંગ ઈન્ડિયન અને એસોસિયેટ જર્નલ્સ લિમિટેડની સંપત્તિઓ પર સુરક્ષા ઉપાયો વધારવાનું કામ કર્યું છે.

કોંગ્રેસે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે કાયદામાં રાજકીય પક્ષો દ્વારા લોન લેવા પર કોઈ પ્રતિબંધ નથી અને ચૂંટણીપંચે નવેમ્બર-૨૦૧૨માં આ અંગે સ્પષ્ટ આદેશ પણ જારી કર્યો હતો. એઆઈસીસીએ જણાવ્યું હતું કે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની કોંગ્રેસની માન્યતા રદ કરવાની ફરિયાદ એ વખતે ચૂંટણીપંચની સંપૂર્ણ બેન્ચના આદેશ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા એજેએલને રૂ. ૯૦ કરોડની લોન આપવાના ઔચિત્ય અંગે કોંગ્રેસે જણાવ્યું છે કે કોંગ્રેસ છેલ્લા કેટલાય દાયકાઓથી એજેએલને નાણાકીય સહાય આપતી આવી છે, જોકે કંપનીની નાણાકીય સ્થિતિ નબળી રહી છે. નાણાપ્રધાન અરુણ જેટલીનાે એવાે આક્ષેપ કે યંગ ઈન્ડિયન એક રિયલ એસ્ટેટ કંપની છે તેને બેબુનિયાદ ગણાવીને કોંગ્રેસે જણાવ્યું છે કે યંગ ઈન્ડિયન કોઈ રિયલ એસ્ટેટ કંપની કે સ્થાવર મિલકતની માલિકી ધરાવતી નથી.

You might also like