પત્ની માટે સ્કૂટર ખરીદવા BRTSમાં જતા એન્જિનિયરનું ખિસ્સું કપાયું

બીઆરટીએસ બસ સર્વિસમાં તેના દરરોજના ૧.૫૦ લાખ ઉતારુઓ માટે ખાસ કરીને પિકઅવર્સ દરમિયાન પોતાના મોબાઈલ, પર્સ વગેરે કીમતી વસ્તુઓને સાચવવાનું પડકારજનક બનતું જાય છે, કેમ કે બીઆરટીએસ બસમાં ખિસ્સાકાતરુનો આતંક વધ્યો છે.

ખિસ્સાકાતરુની ગેંગ પિકઅવર્સમાં ભારે ભીડનો ફાયદો ઉઠાવીને બસની અંદર કે બસમાં ચઢતી કે ઊતરતી વખતે સિફતપૂર્વક ઉતારુઓનાં ખિસ્સાં કાપે છે. આવો જ એક કિસ્સો બાપુનગર વિસ્તારમાં બન્યો છે. ગઈ કાલે સિવિલ એન્જિનિયર અને તેમનાં પત્ની નવું એક્ટિવા ખરીદવા માટે પૈસા લઈ શિવરંજની બીઆરટીએસ બસમાં બેસીને બાપુનગર જઈ રહ્યાં હતાં ત્યારે કોઈ વ્યક્તિ ભીડનો લાભ લઈ ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા બાદ ફરાર થઇ ગઈ હતી.

જોધપુર વિસ્તારમાં આવેલ આગમન રો-હાઉસમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હેમલ ઠક્કરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ કાલે હેમલભાઈ અને તેમનાં પત્ની નિધિબહેન તેમના ઘરેથી બાપુનગર ખાતે આવેલ કુમાર ઓટોમાંથી નવું એક્ટિવા ખરીદવાનું હતું તેથી ત્યાં જઇ રહ્યાં હતાં.

તેઓ શિવરંજનીથી બાપુનગર જવા બીઆરટીએસમાં બેઠાં હતાં. આ દરમિયાન હેમલભાઈએ પોતાના ખિસ્સામાં એક્ટિવા લેવાનું હોવાથી રૂ.૬૬,પ૦૦ મૂક્યા હતા, જોકે બીઆરટીએસ બસમાં ભીડ પણ વધુ હતી. હેમલભાઈને બાપુનગર એપ્રોચ બીઆરટીએસ બસ સ્ટેશન ઊતરવાનું હતું, પરંતુ બસના દરવાજા પાસે ખૂબ ભીડ હતી.

આ દરમિયાન તેમના ખિસ્સામાં રહેલા રૂ.૬૬,પ૦૦ની રકમ કોઈ અજાણી વ્યક્તિ તેમની નજર ચૂકવી ભીડનો લાઇ બસમાંથી ફરાર થઇ ગઈ હતી. હેમલભાઈ અને તેમનાં પત્ની બસમાંથી ઊતર્યાં અને ખિસ્સામાં ચેક કર્યું ત્યારે ચોરી થયાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નિકોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like