પ્રેમિકાના પતિને ફસાવી પરત મેળવવા હાઈરાઈઝ બિલ્ડિંગ ઉડાવવા બોમ્બ સામગ્રી લઈ આવ્યો

અમદાવાદ: નવરાત્રિના તહેવારના એક દિવસ અગાઉ સુરત ક્રાઈમ બ્રાંચે બોમ્બ બનાવવાની સાધનસામગ્રી સાથે મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ડિટોનેટર અને એમો‌નિયમ નાઈટ્રેટની સ્ટીક કબજે કરી હતી.

પૂર્વપ્રેમિકાના પતિને ફસાવવા માટે તેણે આ કાવતરું રચ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. બૉમ્બ બનાવવાની સામગ્રી મળી આવતાં ગુજરાત એટીએસની ટીમે પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હાલ તમામ સામગ્રી એફએસએલમાં મોકલી અન્ય કોઈ ગુનાઇત કાવતરા માટે લાવ્યો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયા અને તેમની ટીમે બાતમીના આધારે સુરતના ગોડાદરા દેવધગામ જતા વિકટોરિયા નામના નવા બંધાતા કોમ્પ્લેક્સ પાસેથી બાઈક પર કાપડની થેલીમાં વિસ્ફોટક લઇ જતા સોનેસીંગ ઉર્ફ સોનું જુગરાજસીંગ ઠાકુર (ઉ.વ.ર૪,રહે, ગંગોત્રીનગર, શ્રીકૃષ્ણ સ્કૂલની પાસે, ગોડાદરા)ને પકડી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી બોમ્બ બનાવવા માટે એમો‌નિયમ નાઈટ્રેટની સ્ટિક અને ડેટોનેટર સોનુંએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેમિકા સાથે બદલો લેવા માટે તેના પતિ ઉધમસીંગને ફસાવવાનો પ્લાન હતો. ઉધમસિંગ જેલમાં જાય તો તેને પ્રે‌િમકા પાછી મળી જાય તે માટે આખો પાલન ઘડી મધ્યપ્રદેશથી આ વિસ્ફોટક સામગ્રી લઇ આવ્યો હતો. જ્યારે અન્ય સાધનસામ્રગી સુરતમાં અલગ અલગ જગ્યાએથી ખરીદી હતી.

આરોપી સોનુ સુરતમાં ૭ વર્ષથી રહે છે અને જમીનદલાલીનું કામ કરે છે. સોનુંની પૂછપરછ માટે ગુજરાત એટીએસ પણ આજે સુરત આવશે. એક મહિના પહેલા સોનુંસીંગે તેની પ્રેમિકાને માર માર્યો. ઉધમસિંગે તે વખતે બચાવી હતી. બાદમાં પ્રેમિકાએ ઉધમસિંગ સાથે લગ્ન કરી લીધા હતા. પોલીસે હાલ અન્ય ગુનાઈત પ્રવૃત્તિ માટે આ વિસ્ફોટક સામાન લાવ્યો હોવાની શંકાને લઈ પૂછપરછ શરૂ કરી છે.

You might also like