ત્રિપુરામાં મમતા સામે બળવોઃ TMCના સભ્યો હવે કોવિંદને સમર્થન આપશે

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ રાષ્ટ્રપતિપદ માટે ભલે વિરોધ પક્ષના ઉમેદવાર મીરાંકુમારને ટેકો આપવાની જાહેરાત કરી હોય, પરંતુ ત્રિપુરામાં તેમના જ પક્ષના એટલે કે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

તૃણમૂલના તમામ છએ ધારાસભ્યોએ ૧ જુલાઇએ અત્રે એક બેઠક યોજીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ત્રિપુરા વિધાનસભામાં તૃણમૂલના નેતા સુદીપરાય બર્મને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે એવા ઉમેદવારને સમર્થન આપીશું નહીં, જેમને માર્કસવાદી સામ્ય્વાદી પક્ષનો ટેકો હોય.
તેમણે જણાવ્યું હતું કે અમે ર૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષને ત્રિપુરામાં સત્તા પરથી હટાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.

આ માટે અમે મીરાંકુમારની તરફેણમાં મતદાન કરી શકીએ નહીં. તેમણે જણાવ્યું હતું કે તૃણમૂલના ધારાસભ્યોએ તેમના આ નિર્ણયની જાહેરાત ભારતના રાષ્ટ્રીય મહામંત્રી રામમાધવને પણ કરી દીધી છે. રામમાધવે ગઇ કાલે રાત્રે તેમને અપીલ કરીને એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદના સમર્થનમાં મતદાન કરવા જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like