તિરુપતિ બાલાજી મંદિરમાં ૧૦૦ કરોડના કૌભાંડનો આક્ષેપ કરાતાં સનસનાટી

નવી દિલ્હી: વિશ્વનાં સૌથી ધનિક મંદિરોમાં જેની ગણના થાય છે તેવા તિરુપતિ બાલાજી મંદિરમાં ૧૦૦ કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મંદિરના પૂજારી રમન્ના દીક્ષિતુલુએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ આ મંદિરના પૈસાનો દુરુપયોગ કરે છે, જોકે આવા આક્ષેપ બાદ પૂજારીને મંદિરમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

તિરુપતિ મંદિરના પૂજારી રમન્નાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તિરુપતિ મંદિરના વહીવટીતંત્ર દ્વારા મંદિરમાં જે ચઢાવાની રકમ આવે છે તેનો દુરુપયોગ કરવામાં આ‍વી રહ્યો છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જ મંદિરના વહીવટદારોની નિમણૂક કરે છે અને તેથી તેઓ તેમની મનમાની કરી રહ્યા છે.

મંદિરના રસોઈઘરમાં વર્ષોથી પ્રસાદ બનતો હતો તેને તોડાવી નાખી તેમાં રહેલા કરોડોનાં પ્રાચીન આભૂષણ અને અન્ય દાગીના ગાયબ કરી દેવામાં આવ્યાં છે. પૂજારીએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો કે નાયડુએ મંદિરના ૧૦૦ કરોડ રૂપિયા તેમના રાજકીય ખર્ચમાં વાપરી નાખ્યા હતા. આ ઉપરાંત ભગવાનને ચઢાવવામાં આવેલાં અનેક જૂનાં આભૂષણનો પણ ક્યાંય પતો નથી.

You might also like