કોંગ્રેસનું ભારત બંધનું એલાન: મોડી રાત્રે વડોદરામાં ટાયરો સળગાવાયાં

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધને ર૧ જેટલા નાના-મોટા પક્ષોએ બંધનું એલાન આપ્યું છે. આજે ભારત બંધના એલાનને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ રાબેતા મુજબ જનજીવન શરૂ થયું હતું. જોકે અનેક કોંગી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સ્કૂલો, કોલેજો અને પેટ્રોલપંપો બંધ કરાવ્યા હતા.

મોડી રાત્રે વડોદરામાં અસામાજિક તત્ત્વોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. કારેલીબાગના રાત્રી બજાર પાસે તેમજ નિઝામપુરા વિસ્તારમાં એક બાઇકને સળગાવી દેવાયું હતું. ભરૂચ નેશનલ હાઇવે ઉપર પણ ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. વાહનોનેે રોકવામાં આવતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બજારો, સ્કૂલ, કોલેજો અને પેટ્રોલપંપો બંધ કરાવતા હતા. જબરજસ્તીથી બંધ કરાવતા પોલીસે અનેક કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર એક્સિસ બેંક બંધ કરાવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

હિંમતનગરમાં બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના પ૦થી વધુ હોદ્દેદાર અને કાર્યકરોની અટકાયત કરાઇ હતી જ્યારે રાજકોટના ત્રિકોણ બાગ પાસે વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

બંધના એલાનના પગલે એસ.ટી. બસોને પણ અસર પહોંચી હતી. અમરેલી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના અનેક શહેરોમાં એસ.ટી. બસોનાં રૂટને બંધ કરી દેવાયા હતા. સવારથી નીકળેલી એસ.ટી. બસોને કેટલીક જગ્યાએ અટકાવી દેવામાં આવી હતી.

રાજ્યની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો કોઇ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ પરિસ્થિતિ જોઇ જાતે જ સ્કૂલો બંધ રાખી શકે તેમ જણાવાયું હતું. જેના પગલે આજે રાજકોટ, વડોદરા, જામનગર સહિતના શહેરમાં કેટલીક સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઇ હતી. પરંતુ કેટલીક સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી. ખાનગી સ્કૂલોમાં જઇ કોંગ્રેસી કાર્યકરોએ જબરજસ્તીથી સ્કૂલો બંધ કરાવી હતી.

અરવલ્લી જિલ્લામાં ભિલોડા-શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ભિલોડા-ચીઠોડા રોડ પર પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો. વડોદરામાં પણ સવારે પેટ્રોલપંપ બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામ પેટ્રોલપંપો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

You might also like