ટિનના વિવાદમાં વેપારીઓ અને વેટ વિભાગ આમને સામનેઃ ૧૭મીએ રેલી

અમદાવાદ: અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોના ર૪ જેટલા વેપારીઓના ૪પ જેટલાં સ્થળોએ વેટ કચેરીના ૯૬૦ કરોડના ગેરકાયદે વહેવારો અને ૧૪૦ કરોડની વેટ ચોરી બહાર આવ્યા પછી વેટ ‌વિભાગ અને વેપારીઓ સામસામે આવી ગયા છે. સમગ્ર મામલો હાલમાં વિવાદે ચડયો છે.

બીજી તરફ નામ ન આપવાની શરતે વેટ વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા પાન નંબર લિન્કઅપ ન થયા હોય તેવા અને છેલ્લા ત્રણથી ચાર ટ્રાન્ઝેકશન ખોટાં થયાં હોય તેવા અમદાવાદના અંદાજે ૧પ૦૦ સહિત રાજ્યના ૪,૦૦૦ જેટલા વેપારીઓના ટિન નંબર રદ કરી દેવાયા છે. એટલું જ નહીં ૧,૦૦૦ જેટલા વેપારીઓએ બોગસ ટ્રાન્ઝેકશન કરીને પોતે ટિન નંબર રદ કરાવી દીધા છે. આ ગંભીર બાબતે વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે.

વેટ વિભાગનાં સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રિટર્ન અપલોડ કરતી વખતે મોટાં વેચાણ બિલ દર્શાવી રિફંડ માગણી દર્શાવી ખોટાં રિટર્ન બાબતે તેમજ ખોટા રિફંડ લેવા બાબતે અને લાયકાત ન હોવા છતાં નવા નંબર લેવા બાબતે ડમી વ્યકિત ઊભી કરવા માટે તપાસ ચાલી રહી છે.

બીજી તરફ વેટ એડ્વોકેટસ અને વેપારીઓ દ્વારા કોઇ પણ વેપારીને રિફંડ આપતાં પહેલાં તે વેપારીએ કરેલ ખરીદીના પાંચ સ્તર સુધી તપાસ કરાવવાનું ફરજિયાત બનાવવાની બાબત અવાસ્તવિક અને હેરાનગતિ ઉપજાવે તેવી હોઇ વેટ વિભાગના કેટલાક નિર્ણયોના વિરોધમાં આજે વેટ કન્સલ્ટન્ટોએ કાળી પટ્ટી પહેરી વિરોધ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે.  વેટ વિભાગના નિર્ણયોના વિરોધમાં વેપારીઓ અને એડ્વોકેટસ ૧૭ ફેબ્રુઆરીના રોજ રેલી કાઢશે. આજે ઇન્કમટેકસ સર્કલ ખાતે બપોરે ૧ર-૩૦ કલાકે તમામ વેટ કન્સલ્ટન્ટ ભેગા થઇને વિરોધ કરવા અંગેની રણનીતિ તૈયાર કરશે.

You might also like