‘ટાઈમ ૧૦૦’ની પ્રભાવશાળી હસ્તીઅોની યાદીમાં વડા પ્રધાન મોદીનું સ્થાન નિશ્ચિત

728_90

ન્યૂયોર્ક: વિશ્વની સૌથી પ્રભાવશાળી હસ્તીઅોની ટાઈમ મેગેઝિનની વાર્ષિક યાદીમાં અા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. ‘ટાઈમ ૧૦૦’ની યાદી અાગામી મહિને જાહેર થવાની શક્યતા છે.

જો કે મહાન હસ્તીઅોની પસંદગી ત્યાંના અેડિટર કરશે પરંતુ અા મેગેઝિને વાચકો પાસેથી પણ ૧૨૭ હસ્તીઅો અંગે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો છે. અા યાદીમાં વિશ્વના શ્રેષ્ઠ રાજકીય નેતાઅો, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ કલા અને અન્ય ક્ષેત્રોના લોકોનો સમાવેશ કરવામાં અાવે છે. ટાઈમ મેગેઝિનનું કહેવું છે કે મોદી વિશ્વ ફલક પર એક પ્રભાવશાળી હસ્તી છે. ભારતમાં તેમનો એજન્ડા રાજકીય અણબનાવના કારણે પ્રભાવિત થયો છે તેમ છતાં ભારત ઝડપથી અાર્થિક પ્રગતિ કરી રહ્યું છે.

મોદી ગઈ સાલ પણ ટાઈમ મેગેઝિનની ૧૦૦ પ્રભાવશાળી હસ્તીઅોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક અોબામાઅે તેમના પર એક પ્રોફાઈલ પણ લખી હતી. સાનિયા મિર્ઝા અંગે મેગેઝિનનું કહેવું છે કે તે ભારતની શ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડી છે અને તેમણે મહિલા ડબલ્સમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે જ સાનિયાઅે ભારતમાં મહિલા ખેલાડીઅોને પ્રોત્સાહિત પણ કર્યા છે.

ટાઈમ મેગેઝિને પ્રિયંકા ચોપરા અંગે જણાવ્યું છે કે બોલિવૂડના સૌથી મોંઘા કલાકારોમાં જેનું સ્થાન છે તેવી અા અભિનેત્રીઅે સિરિયલ ‘ક્વંટિકો’ અભિનય કરીને બોલિવૂડમાં સૌનું ધ્યાન ખેચ્યું છે. પ્રિયંકા બેવોચની રિમેકમાં પણ સફળ થશે. દુનિયાની સર્વશ્રેષ્ઠ અાઈટી કંપનીઅો ગૂગલ અને માઈક્રોસોફ્ટના સીઈઅોને પણ અા વર્ષની ટાઈમની ૧૨૭ પ્રભાવશાળી હસ્તીઅોમાં સ્થાન પ્રાપ્ત થઈ શકે છે.

મેગેઝિનના જણાવ્યા અનુસાર ગૂગલના સહસંસ્થાપક લેરી પેજના જમણા હાથ મનાતા સીઈઅો સુંદર પિચાઈ એન્ડ્રોઈડ અને યુ ટ્યૂબનો કાર્યભાર સંભાળી રહ્યા છે. અે જ રીતે માઈક્રોસોફ્ટના સીઈઅો સત્યા નડેલાના માર્ગદર્શન હેઠળ વિન્ડોઝ ૧૦નું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે. યાદીમાં ભારતીય મૂળના અભિનેતા અઝીઝ અન્સારીના નામનો પણ સમાવેશ થાય છે.

You might also like
728_90