સમય બડા બલવાન…

પોતાની ધારણા પ્રમાણે જ બધું બનતું લાગે અને સંજોગો એકદમ સુગમ લાગે ત્યારે માણસ કહે છે-સમય મારી સાથે છે. હું ચાહું એ રીતે સમયને મારો અનુકૂળ સાથીદાર બનાવી શકું તેમ છું! કોઈ વળી કહે છે કે સમય મારી મુઠ્ઠીમાં છે. સમયની કોઈ પણ ક્ષણને કેવો ઘાટ આપવો તે મારી આંગળીઓ જાણે છે. સમયની આ બધી ક્ષણો તો માત્ર ગૂંદેલી માટી છે. હું ધારું તેવો ઘાટ, આકાર ને રૂપરંગ આપી શકું છું.

અનેક શહેનશાહોએ આવો દાવો કર્યો છે. ઇતિહાસના આખા ઝરૂખામાં એવા અનેક પુરુષો ઊભા છે, જેમણે છાતી ઠોકીને આવો દાવો કર્યો હતો. બીજા ઘણાં મોંએથી એવું બોલ્યા નથી પણ પોતાના મનમાં તો એમ જ સમજ્યા છે કે આખરે સમય છે શું? સમયને તો માણસ ધારે તે ઘાટમાં ઘડી શકે! પણ માણસજાતના લાંબા અનુભવે સમજાયું છે કે સમય કોઈની સાથે હોતો નથી. સૌ સમયની અંદર અને સમયની સાથે છે. સમય કોઈની મુઠ્ઠીમાં નથી, આપણે સમયની મુઠ્ઠીમાં છીએ. તેને જોઈ શકાતો નથી. ખરેખર આ સમય છે શું?

માણસે તેના ઇતિહાસમાં સમયને માપવાના અનેક તરીકા અજમાવ્યા છે. સમયની જુદીજુદી વ્યાખ્યાઓ આપવા માટે વૈજ્ઞાનિકો હંમેશાં મથતાં રહ્યા છે. પમ સમય તો જાણે કોઈનાથી પકડાતો નથી કે કોઈ તેને બરાબર પિછાની પણ શકતું નથી. સમય દેખાતો નથી, તેના રંગો દેખાયા કરે છે. સમયની ક્ષણોના રંગ માણસની આંખ જુએ છે અને સમયની ક્ષણોને રંગ અર્પે છે.

માણસને ફતેહ પર ફતેહ મળી રહી હોય, એની આસપાસ રંગીન ફુવારાઓ ઊડ્યા કરતા હોય, જ્યાં જ્યાં નજર કરે ત્યાં એને સુખ અને સુખ જ દેખાતું હોય ત્યારે તે માને છે કે સમય મારી સાથે છે અને સમય મારો સાથ છોડે જ નહીં. મેં મારી કુશળતાથી એને એવી રીતે બાંધી રાખ્યો છે કે તે ક્યાંય છટકી શકે તેમ નથી. કોઈ માનતું હોય કે સમય તો રંગ બદલતો કાચીંડો છે તો એવું માનનારા ભૂલ ખાય છે. એ કાચીંડો હોય તો હુંય એનો ગુરુ છું. આપણે જાણીએ છીએ કે સમયના રંગની આ લીલા માત્ર માણસના હાથની વાત નથી. અનુભવે સિદ્ધ થયું છે કે પુરુષ પોતાને ગમેતેટલો બળવાન સમજતો હોય પણ આખરે સમય પોતાને બળવાન પુરવાર કર્યા વગર રહેતો નથી.

માનવજાતનો ઇતિહાસ સમયના સતત પલટાતા રંગોની એક મોટી પોથી છે. ભગવાન શ્રીકૃષ્ણે એટલે જ ભગવદ્‌ ગીતામાં કહ્યું છે કે સુખદુઃખ, સફળતા-નિષ્ફળતા, લાભ-હાનિ, માન–અપમાન એ બધી ક્ષણોમાં સમત્વ ઘારણ કરો. આ બધી ક્ષણોને માણસના સંજોગ અને મિજાજ પ્રમાણે રંગ મળે છે અને માણસની આંખ તે રંગ જુએ છે. આ બધી સમયની રંગલીલા છે. દૂધ જેવો રંગ જોઈને એકદમ હરખાઈ જવા જેવું નથી. માણસ ઇચ્છે કે હું અમુક જ રંગ પકડી રાખું તો તે અશક્ય છે. સુખમાં પડેલા માણસને થાય છે કે આ જ સાચો રંગ છે- ધિસ ઈઝ માય ટ્રુ કલર! આ જ મારો સાચો કલર!
સફેદ સુખનો રંગ જ નહીં, શોક, દુઃખનો કાળો રંગ પણ માણસ પકડી રાખી શકતો નથી.

એ કોશિશ કરે છે પણ આ બધા રંગને પકડી રાખી શકતો નથી. પણ માણસનો કોઈ સાચો રંગ હોય તો તે પોતાની અંદરનો તે બહાર જે જુએ છે તે તો સમયનો રંગ છે, તેને પકડી શકાતો નથી. આનંદના કે શોકના કોઈ રંગને પકડી જ રાખવાની કોશિશ ન કરવી જોઈએ. પલટાતા રંગોની લીલી પિછાનવી અને તેને માણવી એ જ જીવન છે. ભગવાને તો કહ્યું છે કે હું જ કાળ છું. એટલે સમયના પલટાતા રંગોમાં એની જ લીલાનાં દર્શન કરવાં એ જ એક માર્ગ છે.

http://sambhaavnews.com/

You might also like